બનાસકાંઠા, સંજીવ રાજપૂત: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં થરાદ શહેર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. થરાદ શહેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં આયોજિત આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
તિરંગા યાત્રા પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે,આજે હર ઘર તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં થરાદના નગરજનો દેશભક્તિના રંગે રંગાયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દેશભક્તિ અને સ્વદેશીપણાના સંકલ્પના ભાવ સાથે નાગરિકોએ તિરંગાને આન, બાન અને શાનથી પરંપરાગત રીતે ઉજવણી કરી છે. તેમણે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર નવા ભારતની ઓળખ બન્યું છે. ઓપરેશન સિંદૂરે દેશના નાગરિકોમાં સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશની સેનાએ સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે જે દેશ માટે ગૌરવની બાબત છે.
“હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” ની થીમ આધારે આ તિરંગા યાત્રા રેફરલ ત્રણ રસ્તા થરાદ ખાતેથી લઈને હનુમાન ગોળાઈ ચોક સુધી યોજાઈ હતી. તિરંગા યાત્રામાં ૧૦૦૦ ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પોલીસ જવાનો દ્વારા પોલીસ બેન્ડ, ઘોડેસવારી પ્લાટૂન સહિત દરેક નાગરિકના હાથમાં રાષ્ટ્ર ધ્વજ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમ’’ના નારા સાથે થરાદ નગર દેશ ભક્તિના રંગે રંગાયુ હતું. તિરંગા યાત્રાને રસ્તા પર નાગરિકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો. નાગરિકોએ તિરંગા યાત્રાના વધામણા પણ કર્યા હતા.
આ તિરંગા યાત્રામાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, થરાદ પ્રાંત અધિકારી ટી.કે.જાની, જિલ્લા અગ્રણી કિર્તીસિંહ વાઘેલા, કનુભાઈ વ્યાસ, ડી.ડી.રાજપૂત સહિત વિવિધ અધિકારીઓ,પદાધિકારીઓ, પોલીસ જવાનો અને બહોળી સંખ્યામાં નગરજનો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા.