ભુજ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી કલા અને સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ પ્રસ્તુતિઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉપસ્થિત મહાનુભાવોની સાથે ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા “રણોત્સવ” થીમ આધારિત નવીન વિશેષ પોસ્ટલ કવરનું અનાવરણ કર્યું હતું.
અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ એવા શ્રી સરદાર પટેલની પુણ્યતિથિએ તેમને વંદન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જેવી રીતે સરદાર સાહેબે દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારત બનાવ્યું તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના જ પદ ચિહ્નો પર ચાલીને “એક ભારત શ્રેષ્ઠ ભારતનું” નિર્માણ કર્યું છે. આ માટે તેમણે દેશના તમામ રાજ્યોની ભાષા, સંસ્કૃતિ અને પ્રવાસનને મહત્વ આપ્યું છે. રણની સંસ્કૃતિ અને પ્રવાસનને ઉજાગર કરતો આજનો આ રણોત્સવ પણ “એક ભારત શ્રેષ્ઠ ભારત”ને સાકાર કરવાનો જ અવસર છે.
ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રથી અલગ થયું ત્યારે લોકો કહેતા કે માત્ર દરિયો, રણ, ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું. દાયકાઓ સુધી રાજ્યના વિકાસની ગતિવિધિઓ વાપીથી તાપીના પટ્ટા સુધી જ સીમિત રહી હતી. વીજળી, પાણી, રોડ-રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રકચર એવા મોટાભાગના ક્ષેત્રોમાં વિકાસ જે ગતિએ થવો જોઈએ અને જેટલો થવો જોઈએ તેટલો થયો હતો નહિ પરંતુ ગુજરાતને વિઝનરી લીડર નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી તરીકે મળ્યા અને તેમણે ગુજરાતના વિકાસને વૈશ્વિક સ્તરનો બનાવવાની નેમ લીધી. કચ્છને ભૂકંપની તારાજીમાંથી બેઠું કરવાનો મોટો પડકાર તેમણે ઝીલ્યો અને એ આફતને અવસરમાં કેવી રીતે પલટાવી તે દેશ અને દુનિયાએ જોયું.
જળશક્તિ સાથે જનશક્તિને જોડીને બેસ્ટ વોટર મેનેજમેન્ટ સાથે કેનાલ અને પાઈપલાઈનના વિશાળ નેટવર્કથી મા નર્મદાના નીર કચ્છના છેવાડાના મોડકૂબા ગામ સુધી પહોચ્યાં છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. રેગિસ્તાનની આ ભૂમિમાં સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરીને ૩૦ ગીગીવોટનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક વડાપ્રધાનના વિઝનથી આકાર લઈ રહ્યો છે.
કચ્છના વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈના વિઝનની વાત કરતા મુખ્યમંત્રી એ જણાવ્યું કે વર્ષ ૨૦૦૫માં નરેન્દ્રભાઈએ ફક્ત ત્રણ દિવસના આયોજન સાથે કચ્છના રણમાં ‘રણોત્સવ’ની શરૂઆત કરાવી, જે આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે. એક સમયે જે રણની ઓળખ ઉજ્જ્ડ જમીન તરીકેની હતી, તે સ્થળે આજે રણોત્સવ ઉજવાય છે. વડાપ્રધાનના વિઝનથી આજે કચ્છનું રણ રણોત્સવથી વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને “બેસ્ટ ટુરિઝમ વિલેજ”નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.
કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ પણ બન્યો છે. રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત ઊભો થયો છે અને પરંપરાગત કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળ્યું છે. અહીનું ક્રાફ્ટ બજાર ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. વર્ષ ૨૦૦૧ના ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં બનેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના ત્રણ સૌથી સુંદર મ્યુઝિયમમાં આ વર્ષે સ્થાન મળ્યું છે. કચ્છને વૈશ્વિક સ્તરે મળેલા આ સન્માનથી ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
રાજ્ય સરકારે કચ્છને આપેલી પ્રવાસન સુવિધા વિશેની વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આ વર્ષે અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે ધોરડો સુધી સીધી વોલ્વો બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. જેના કારણે દેશ-વિદેશના પ્રવાસીઓ હવે એરપોર્ટથી સીધા જ સફેદ રણ સુધી પહોંચી શકે છે. રણોત્સવની શરૂઆત થઈ ત્યારથી દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે ૭ લાખથી વધુ પ્રવાસીઓએ કચ્છની મુલાકાત લીધી હતી. કચ્છ રણોત્સવમાં આવતા પ્રવાસન પ્રેમીઓ રણની મોજ માણવા સાથે માતાનો મઢ, માંડવી, કાળો ડુંગર, નારાયણ સરોવર જેવા દર્શનીય સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે પણ સરકારે વોલ્વો બસ સેવા શરૂ કરી છે. વિકસિત ભારત ૨૦૪૭ના વડાપ્રધાનના સંકલ્પમાં પ્રવાસન ક્ષેત્રને અગ્રેસર બનાવીને આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ પાર પાડવી છે. વિકાસ અને વિરાસતનો સમન્વય ધરાવતો આ રણોત્સવ એ માટે દિશાદર્શક બનશે એવા વિશ્વાસ પણ આ તકે મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમ નિમિત્તે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી હંમેશા કલા સાહિત્યથી ધબકતી રહી છે. વડાપ્રધાનના વિઝનથી અને ગુજરાત સરકારના પ્રયાસોથી કચ્છનું સફેદ રણ આજે વર્લ્ડ ફેમસ ડેસ્ટિનેશન બન્યું છે. રણોત્સવ માત્ર ઉત્સવ જ નહીં પણ કચ્છના લોકો માટે રોજગારીનું માધ્યમ બનીને ઊભરી આવ્યો છે. દેશમાં આજે રણોત્સવ કચ્છ સહિત ગુજરાતના લોકો માટે વિકાસના મોડેલ તરીકે પ્રસ્થાપિત થયો છે.
પ્રવાસન મંત્રીએ વધુમાં જણાવ્યું કે, લાખો સહેલાણીઓની કચ્છ મુલાકાતથી સ્થાનિક કલાઓને પ્રાધાન્ય મળ્યું છે. રણોત્સવના આયોજનના લીધે કચ્છના કલાકારોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થયું છે. મધ્યમવર્ગીય લોકો પણ રણોત્સવ મુલાકાત દરમિયાન ટેન્ટમાં રોકાણનો લ્હાવો માણી શકે તે માટે રૂ. ૫૪ કરોડથી ૪૬૦થી વધુ ટેન્ટ આગામી સિઝનમાં ઊભા કરાશે તેમ પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું. વધુમાં પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના વિઝનથી કચ્છની સંસ્કૃતિ આજે દેશ દુનિયામાં પહોંચી છે.
મુખ્યમંત્રી સાંસ્કૃતિક કાર્યક્રમમાં કચ્છી ખમીર, કચ્છના ભૂગોળ, ઇતિહાસ, કચ્છની સંસ્કૃતિને વર્ણવતી નૃત્ય નાટિકા તેમજ “વ્રજવાણીની આહીરાણીઓ અને ઢોલી”ની અમર કહાની રજૂ કરતો ગરબો નિહાળી અભિભૂત થયા હતા. કચ્છના ઐતિહાસિક સ્થળો, કચ્છની રાજવી વિરાસતો રજૂ કરતો “કચ્છડો બારેમાસ” નાટિકાએ મુખ્યમંત્રી સહિત ઉપસ્થિતો મહાનુભાવોના મન જીતી લીધી હતા. કચ્છ, કચ્છી અને તેની સંસ્કૃતિ તેમજ કચ્છના વિકાયાત્રાને નૃત્ય,સંગીત તથા ગાયન સાથે જીવંત કરતી નૃત્ય નાટિકા રજૂ કરી કલાકારોએ લોકોને ડોલાવ્યા હતા. “મારું મન મોર બની થનગનાટ કરે” ગીતને ગાયક કલાકારે નૃત્યકારો સાથે લાઈવ રજૂ કરીને પ્રવાસીઓના મન મોહી લીધા હતા. પૂર્ણ ચાંદની રાતે લાઈવ પ્રસ્તુતિ”ભોલે નાથ શંકરા” ગીતે ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. આ ઉપરાંત કચ્છી લોક સંગીત અને કલાઓને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓને મુખ્યમંત્રીએ નિહાળી હતી.
આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અગ્રણી દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય સર્વે કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, ધોરડો જૂથ ગ્રામ પંચાયતના સરપંચ મિયાં હુસેન, ગુજરાત ટુરિઝમના સચિવ રાજેન્દ્રકુમાર, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડના કમિશનર અને મેનેજિંગ ડાયરેક્ટર એસ. છાકછુઆક, કચ્છ કલેક્ટર અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, સૌરાષ્ટ્ર કચ્છ રિજિયનના પોસ્ટ માસ્ટર જનરલશ્રી કૃષ્ણકુમાર યાદવ, બી.એસ.એફના ડીઆઈજી અનંતકુમાર, ટીસીજીએલના જનરલ મેનેજર ચેતન મિસણ, ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ સહિત સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.