જામનગર: મુસાફરથી ખાચોખચ ભરેલ જામનગર આવતી એસટી બસનો પાછળનો કાચ તૂટી પડતા 2 વિદ્યાર્થીઓ રોડ ઉપર પટકાયા હતા. ગંભીર ઇજા થતા બંને ને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પૈસા કમાવવાની લ્હાયમાં મુસાફરોને ખાનગી વાહનોમાં ખાચોખચ ભરતા જોયા હશે પરંતુ એસટી બસમાં લોકોને ખાચોખચ ભરતા પાછળનો કાચ તૂટી જતા એક અકસ્માત બન્યાની ઘટના જામનગરમાં સામે આવી છે.
ધ્રોલ જોડિયા-જામનગર રૂટમાં આવતી આવતી એસટી બસનો ગુલાબનગર પાસે પાછળનો કાચ નીકળી જતા બસમાંથી 2 વિદ્યાર્થીઓ ખીરીના હર્દિપસિંહ જાડેજા અને અન્ય એક વિદ્યાર્થી ધાણી ફૂટે તેમ બસની બહાર પટકાયા હોવાનું સ્થાનિક ચર્ચા મુજબ જાણવા મળ્યું હતું. બંને ને ગંભીર ઇજાઓ થતા 108 દ્વારા તાત્કાલિક જી જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને હાથ, પગ મોંએ ઇજા થઇ હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળેલ છે.
બસના વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ બસમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી અને બસ ખાચોખચ ભરેલી હતી, તેમના દ્વારા ઘણી વાર લેખિત રજુઆત કરેલ હોવા છતાં એક્સ્ટ્રા બસ નથી ચલાવવામાં આવતી અને બસમાં 125 કરતા ઉપર લોકો ભરવામાં આવ્યા હતા જેના પરિણામે આજે આ ઘટના ઘટી છે. જો કોઈ વધુ મોટી ઘટના સર્જાઈ હોત અને કોઈ મૃત્યુ થયું હોત તો તેના જવાબદાર કોણ રહેતા?
રોષે ભરાયેલ વિદ્યાર્થીઓએ દોષનો ટોપલો સરકાર અને એસટી વિભાગ ઉપર ઢોળ્યો હતો અને આક્ષેપો કર્યા હતા. બસમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી અને બસ ફૂલ ખાચોકચ ભરેલી હતી અચાનક બ્રેક મારતા બસની પાછળનો કાચ તૂટી ગયો અને પાછળ બેસેલા આ બંને વિદ્યાર્થીઓ બહાર પટકાયા હતા. વિદ્યાર્થીઓ મુજબ આ બાબતે આસપાસના ગામોના અનેક વિદ્યાર્થીઓ ટ્યુશન, સ્કૂલ, કોલેજ અર્થે જામનગર આવતા હોય છે. એસટી વિભાગને અન્ય એક્સ્ટ્રા બસ ચલાવવા અનેક વાર રજૂઆતો કરાઈ છે છતાંય કેમ આ બાબતે કોઈ ધ્યાન કેમ આપવામાં આવતું નથી? શું ભવિષ્યમાં કોઈ મોટી ઘટના ઘટે તેની રાહ જોવાઇ રહી છે? મુસાફરોની સલામતી શેમાં?