કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગુજરાત સરકાર દ્વારા બે દિવસ પહેલા ગુજરાતના દરેક જિલ્લાના કલેક્ટરની અધ્યક્ષતામાં જંત્રી અંગે મીટીંગ રાખી સૂચનો મંગાવ્યા અને બે દિવસમાં જંત્રી ડબલ કરવાનો નિર્ણય કરવાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે મકાન કે દુકાન ખરીદનારને સ્ટેમ્પ ડ્યુટી ડબલ ભરવી પડશે અને જીએસટી પણ ડબલ ભરવો પડશે
આજે ગુજરાત બિલ્ડર્સ એસોસિયેશન (ક્રેડાઈ ગુજરાત) ની મળેલ વર્ચ્યુઅલ ઝુમ મિટિંગમાં અરવલ્લી ક્રેડાઈ પ્રમુખ કમલેશભાઈ પટેલ તેમજ તમામ ક્રેડાઇ ના સભ્યોએ પણ જોડાઈ ઉગ્ર રજુઆત કરી છે.
જેમાં જંત્રીનો દર ડબલ થતાં બધા ચાર્જ ડબલ થશે. હાલ જંત્રીનો અમલ કરવાનો સમય ૨૪ કલાક છે જેની જગ્યાએ ૧’મે,૨૦૨૩ થી નવી જંત્રીનો અમલ કરવો જોઈએ.
જંત્રી સ્ટેપ બાય સ્ટેપ વધારવી જોઈએ પહેલાં ૧૦ ટકા પછી ૨૫ ટકા અને પછીના સ્ટેપમાં બાકીનો વધારો કરવો જોઈએ.
જે લોકોએ મકાન ખરીદી લીધાં છે. લોન લેવાઈ ગઈ છે બાનાખત થઈ ગયું છે. તેનો દસ્તાવેજ બમણી કિંમતે કરવાનો થશે તો તે દસ્તાવેજ માન્ય નહી ગણાય કેમ કે બાનાખત અને દસ્તાવેજની કિંમત એક હોવી જોઈએ.
જે જમીન નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવા ઓર્ડર થઈ ગયા છે. તેમને પણ ૩૧’માર્ચ-૨૦૨૩ સુધી સમય આપવો જોઈએ.
જંત્રી ડબલ થઈ પરંતુ સરકારે બાંધકામનો ભાવ પણ ડબલ કરેલ છે. જે વ્યાજબી નથી અને બજાર કિંમત સાથે સુસંગત નથી.
જંત્રી વધારી તેની સામે સ્ટેમ્પ ડયુટી ગણાવી જોઈએ.
ઉપરોક્ત મુદ્દાઓ સાથે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી અને ક્રેડાઈ ગુજરાતના તમામ જીલ્લા પ્રમુખોને સાથે મિટિંગ કરી ચર્ચા કરવામાં આવશે.