પાલિતાણાની સરકારી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં ચાલતી સાયકલ ડ્રાઈવિંગ સ્કૂલમાં બાળકો સાયકલ શીખવા સાથે ટ્રાફિકના નિયમો પણ શીખે છે
——–
શાળા પ્રવેશોત્સવના અવસરે બે દિવસ પહેલા ભાવનગરના પાલિતાણાની સરકારી ઝવેરચંદ મેઘાણી શાળામાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે દાતાઓ દ્વારા સાયકલ ભેટ તરીકે આપવામાં આવી હતી.
શાળાનો અભ્યાસ ન બગડે અને તે સાથે-સાથે ઈતર પ્રવૃતિઓ પણ ચાલુ રહે તે માટે આ શાળાના શિક્ષકશ્રી નાથાભાઇ ચાવડાએ રવિવારના દિવસે શાળાની ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવીને શાળાના બાળકોને સાયકલ ચલાવતા શીખવવા સાથે ટ્રાફિકના નિયમોથી પણ બાળકો જાણકાર બને તે માટે આજે રવિવારની રજાનો સદુપયોગ કરીને બાળકોને આનંદ અને મોજ મસ્તી સાથે સાયકલની સવારીનો આનંદ કરાવ્યો હતો.
સાયકલ મારી સરરર જાય…. ટીન ..ટીન… ટોકરીના નાદ સાથે રવિવારની રજાની મજા સાથે શારીરિક અને માનસિક વિકાસની પણ એક રીતે આજે શુભ શરૂઆત થઈ ચૂકી છે.
સરકારી એવી પાલીતાણા ની ઝવેરચંદ મેઘાણી શાળા સામાન્ય શાળા નથી. અહીં બાળ ઘડતર સાથે શારીરિક અને માનસિક ઘડતરનો પણ આદર્શ સ્વીકારીને વિદ્યાર્થી ઘડતરનો પ્રયાસ કરવામાં આવે છે.
ભાવનગર જિલ્લામાં જ નહીં પરંતુ રાજ્યમાં આ પ્રથમ ઘટના હશે, જ્યાં શિક્ષક રવિવારે પણ બાળકોના સર્વાંગીણ વિકાસ માટે યથાગ પ્રયત્નો કરીને એક રીતે જાણીતી ઉક્તિ ‘ઘસાઈ ને ઉજળા થઈએ’ ને વાસ્તવમાં ચરિતાર્થ કરી રહ્યાં છે.
ચાલુ વર્ષે રાજ્યભરમાં યોજાયેલાં શાળા પ્રવેશોત્સવમાં લોકભાગીદારીથી રૂ. ૨૫ કરોડથી વધુની ચીજવસ્તુઓ વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે પ્રાપ્ત થઈ છે. તે અંતર્ગત લોકભાગીદારીથી મળેલ સાયકલ આ રીતે આદર્શ ઉપયોગ પણ થઈ રહ્યો છે.
આજનો વિદ્યાર્થી એ આવતીકાલના ભારતનું ભવિષ્ય છે. તેથી વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક સાથે નૈતિક ગુણોનો વિકાસ થાય અને શારીરિક ચુસ્તી અને સ્ફૂર્તિ જળવાઇ રહે તેવા ઉમદા આશય સાથે શાળા સિવાયના સમયમાં પોતાનો કિંમતી સમય ફાળવીને શ્રી નાથાભાઇ ચાવડા યથાશક્તિ પ્રયત્નો કરી રહ્યાં છે.
હાલ તો નવી સાયકલ, નવી ઊર્જા, નવું સાહસ અને નવા પ્રયાસ સાથે બાળકો રજાની મજા સાથે સાયકલ સવારીનો આનંદ માણી રહ્યાં છે.
——–
અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર