સુરત, સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સુરત શહેરના વરાછા ખાતે આવેલા આઉટર રીંગ રોડ સહીત અન્ય કામોના કામગીરીની સમીક્ષા કરી હતી, સુરતના ગઢપુર રોડથી સુરત કામરેજ રોડ ઉપર થઈને વાલક – અબ્રામા તાપી નદી બ્રીજને જોડતો રોડ તેમજ ભરથાણા કોસાડને જોડતો રેલવે ઓવર બ્રીજ સહિતના રૂ.૮૫.૧૪ કરોડનાં કામો ત્વરિત પૂર્ણ થાય તે માટે સુરત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કોન્ટ્રકટરને મંત્રીશ્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત તમામ ક્ષેત્રે વિકાસ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સુરત શહેરમાં આઉટર રીંગ રોડની કામગીરીમાં વધુ વિલંભ થતા તે કોન્ટ્રકટરની બેદરકારીને ધ્યાને લઈને રાજ્ય સરકારે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો. સુરતના નાગરીકોને વધુ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઝડપી ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરીને નવી એજન્સીને કામ સોપવામાં આવ્યું હતું. એક અઠવાડિયામાં નવી એજન્સી દ્વારા ખુબ ઝડપી આઉટર રીંગ રોડની કામગીરી કરવામાં આવી રહી છે એ કામગીરી સમીક્ષા કરવામાં આવી હતી તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, સુરત શહેરના નાગરીકોની સુવિધામાં વધારો કરવા માટે આઉટર રીંગ રોડ સહીતના અન્ય માર્ગોની કામગીરી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના માર્ગદર્શનમાં પૂર્ણ કરવામાં આવી રહી છે.
વધુમાં મંત્રીએ સુરત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી બિરદાવી અને ખૂબ જ ઓછા સમયમાં સુરતના નાગરીકોને એક બ્યુટિફિકેશન વાળો રીંગ રોડ મળશે તેવી મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી..