સુરત ખાતે ‘શ્રી હનુમાન ચાલીસા યુવા કથા’માં સહભાગી થતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી : હરિપ્રકાશદાસજી સ્વામીના શ્રીમુખેથી કષ્ટભંજન દાદાના દિવ્ય ચરિત્રોરૂપી કથામૃતનું શ્રવણ કર્યું
હનુમાન ચાલીસા યુવા કથા યુવાનોને સદાચાર, નૈતિકતા, અને રાષ્ટ્રવાદ તરફ વાળવાનું માધ્યમ બની છે : કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા
નવા વર્ષ – ૨૦૨૫ના પ્રારંભે ૨૦૨૫ ગંગાસ્વરૂપા બહેનોને અનાજ-કરિયાણાની કીટ વિતરણનો સંકલ્પ
સુરતના મારૂતિ ધૂન મંડળના સેવાભાવી યુવાનોએ રાત-દિવસ મહેનત કરીને ભારતીય સંસ્કૃતિનો પાયો મજબૂત કર્યો છે. સુરતથી યુવાનોને ધર્મ, કર્મ અને રાષ્ટ્રવાદ સાથે જોડવાનું મહાઅભિયાન દેશની ‘સૂરત’ બદલવાનું કાર્ય કરશે, એમ સુરતના સીમાડા ખાતે ‘શ્રી હનુમાન ચાલીસા યુવા કથા’માં સહભાગી બનેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું.
શ્રી હનુમાનજી મહારાજનો મહિમા જન-જન સુધી પહોંચે, યુવાનોમાં રાષ્ટ્રભક્તિ તેમજ આધ્યાત્મિકતા ઉજાગર થાય અને યુવાનો વ્યસનો છોડી સંકટમોચન હનુમાનજીને પોતાના આદર્શ માની સાચા રસ્તે વળે એવા શુભ ઉદ્દેશથી શ્રી મારૂતિ સેવા વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત શ્રી મારૂતિ ધૂન મંડળ યુવા ગૃપ તથા શ્રી હનુમાન ચાલીસા યુવા કથા સમિતિ દ્વારા સીમાડા, આઈકોનિક રોડ, સરથાણા જકાતનાકાના રૂક્ષ્મણી ચોક ખાતે ૫.પૂ. શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા (સાળંગપુર ધામ)ના વક્તાપદે ‘શ્રી હનુમાનચાલીસા યુવા કથા’ યોજાઈ રહી છે. જેના છઠ્ઠા દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. કથામાં કેન્દ્રીય શ્રમ, રોજગાર, રમતગમત અને યુવા બાબતોના મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી મારૂતિ ધૂન મંડળ યુવા ગ્રુપને તેમના આ પ્રકારના સેવાકાર્યો માટે અભિનંદન આપતા રાજ્યપાલશ્રીએ વધુમાં કહ્યું કે, આપણા વડીલો યુવાનોની આધુનિક જીવનશૈલી અને સ્વચ્છંદતાથી ચિંતિત છે, ત્યારે યુવાનોને સદાચારના માર્ગે વાળી તેમને પોતાની ફરજનું જ્ઞાન અને ભાન કરાવવાનો આ મહાયજ્ઞ સરાહનીય છે.
ગંગાસ્વરૂપ બહેનોને અનાજ કરિયાણાની કીટ પ્રદાન કરીને અને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરીને, યુવાનો માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે. આવા ઉમદા પ્રયાસો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે છે અને યુવાનોના ઉત્સાહને બળ આપે છે એમ પણ રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.
આપણે મર્યાદા પુરુષોત્તમ રામ અને યોગેશ્વર ભગવાન કૃષ્ણના સંતાનો છીએ. દેશની મહાન સંસ્કૃતિએ વિશ્વને ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાનો પરિચય કરાવ્યો છે. મહાપ્રતાપી હનુમાનજીના જીવન ચરિત્રનું શ્રવણ કરીને યુવાનો સદ્દમાર્ગે આગળ વધશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં રાજ્યપાલશ્રીએ જવાબદાર, પરિપૂર્ણ અને આત્મનિર્ભરતાની મૂર્તિ એટલે નવયુવાન એવી વ્યાખ્યા આપી ભારતને દિવ્ય અને ભવ્ય બનાવી વિકસિત ભારત બનાવવા સૌને સંકલ્પબદ્ધ થવાનો અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય શ્રમ, રોજગાર, રમતગમત અને યુવા બાબતોના મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, યુવાનો સમાજ, રાજ્ય, રાષ્ટ્રને પ્રગતિના પંથે લઈ જવાની ક્ષમતા ધરાવે છે. ‘વિકસિત ભારત’ના સંકલ્પને પૂર્ણ કરવામાં યુવાનોની મહત્વની ભૂમિકા રહેવાની છે. યુવાધન ધર્મ, અધ્યાત્મ સાથે જોડાય છે ત્યારે સમાજમાં પરિવર્તનનો પવન ફૂંકાય છે. શ્રી હનુમાન ચાલીસા યુવા કથા યુવાનોને સદાચાર, નૈતિકતા, અને રાષ્ટ્રવાદ તરફ વાળવાનું માધ્યમ બની છે.
કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે, શ્રી હનુમાન યુવા કથા એ યુવાનો દ્વારા આયોજિત અને યુવાનોને સમર્પિત છે. સમાજને શિક્ષિત અને દીક્ષિત બનાવી રાષ્ટ્રભકિત અને સેવાકાર્યો સાથે દૈદિપ્યમાન બનાવવાનું કાર્ય યુવાકથાના માધ્યમથી થઈ રહ્યું છે જે બદલ તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
યુવા ઉદ્યોગકાર શ્રીહરિ ગ્રુપના શ્રી રાકેશભાઈ દૂધાતે જણાવ્યું હતું કે, આજના યુવાનો વેસ્ટર્ન કલ્ચરને સ્થાને આપણા દેશની ગૌરવશાળી સંસ્કૃતિ, સભ્યતાને ઓળખે તેવા આશયથી યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાનો છત્રપતિ શિવાજી, રાણી લક્ષ્મીબાઈ, અહલ્યાજી, શહિદ ભગતસિંહ જેવા મહાનપુરુષો, મહાન સન્નારીઓએ રાષ્ટ્ર માટે આપેલા યોગદાન, બલિદાનમાંથી પ્રેરણા મેળવે તે માટે યુવા કથા સાચા અર્થમાં પ્રેરક બનશે. તેમણે મારૂતિ ધુન મંડળ દ્વારા ગંગા સ્વરૂપ બહેનો માટે કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
નોંધનીય છે કે, નવા વર્ષ ૨૦૨૫ના પ્રારંભે ૨૦૨૫ ગંગાસ્વરૂપા બહેનોને હનુમાન ચાલીસા યુવા કથામાં મારૂતિ ધૂન મંડળ દ્વારા અનાજ- કરિયાણાની કીટ વિતરણનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, વેડરોડ સ્વામિનારાયણ ગુરૂકુળના સંતવર્યશ્રી ધર્મવલ્લભ સ્વામી, રાકેશભાઈ દુધાત, અગ્રણી સર્વશ્રી ઈશ્વર ધોળકિયા, મોટી સંખ્યામાં શ્રોતાજનો, શ્રીહનુમાનભક્તો ઉપસ્થિત રહ્યા હતા.