કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરન્ચા પરિસરમાં ભવ્ય દિવ્ય વાર્ષિકોત્સવ ઉજવાયો.
શાળા પરિસરમાં વિવિધ રંગોળી, ભીંતચિત્રો, સુવિચાર, સુશોભન અને રસ્તાની બન્ને બાજુમાં ફ્લેગ સુશોભન સાથે કેડેટોની શિસ્ત અને સ્વયં અનુશાસનથી સૈનિક સ્કૂલના વાર્ષિકોત્સવનો ખુશીભર્યો માહોલ બની ગયો હતો.
કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી રમેશભાઈ શાહ (NRI ) મૂળ અરવલ્લીના વતની અત્યારે US હ્યુસ્ટન શહેરમાં રહે છે. ભારતમાં એકલ અભિયાનના CEO છે. ભારતના યુવા વિકાસ માટે કામ કરે છે.
અતિથિ વિશેષ ભિલોડા વિધાનસભાના સાંસદશ્રી પી. સી. બરંડા તથા માનવંતા મહેમાનોને પાયલોટ દ્વારા પરેડ સાથે મંચ તરફ લઈ જવાયા હતા. ત્યારબાદ ACC દ્વારા મુખ્ય મહેમાનશ્રીને જનરલ સલામી આપીને અભિવાદન કરી સેરેમોનિયલ પરેડ કરવા માટેની અનુમતિ પ્રાપ્ત કર્યા બાદ પરેડ ગ્રાઉન્ડ પર નિરીક્ષણ કરાવવામાં આવ્યું. પછી કેડેટોની સાત ટીમો દ્વારા સ્કૂલ બેન્ડના તાલ સાથે કદમ મિલાવી મંચ પર મુખ્ય મહેમાનને સલામી આપતા તમામ પ્રેક્ષકોને દિલ્હી રાજપથ પરેડની યાદ અપાવી દીધી.
ત્યારબાદ મંચસ્થ મહેમાનોનો પરિચય અને સ્વાગત કરવામાં આવ્યું. પછી કેડેટોએ તૈયાર કરેલા વિવિધ કાર્યક્રમો દેશભક્તિ સમુહગીત, સ્કૂલ રિપોર્ટ, ફ્યુઝન ડાન્સ, ઘોષ ડિસ્પ્લે, કરાટે પ્રદર્શન, છત્રપતિ શિવાજી જીવન અંશ નાટિકા, યોગ-પિરામિડ, છાત્ર અનુભવ કથન ગુજરાતી અને અંગ્રેજીમાં, કલચરલ ડાન્સ, માસ પી.ટી., ઈનામ વિતરણ અને મહેમાનોનું ઉદબોધન થયું.ધારાસભ્ય પી સી બરંડા એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આ સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલનો કેડેટ નિત્ય શારીરિક અભ્યાસને કારણે કોઈ ક્ષેત્રમાં પાછળ રહેશે નહીં.
વધુમાં તેમણે જણાવ્યું કે જે ખેલશે તે જ જીવનમાં ખીલશે. અને હવેથી મુલાકાત સાથે જરૂરી માર્ગદર્શન પણ આપતો રહીશ. આ સાથે વિદ્યાલયના બોર્ડના પરિણામો તથા વિશેષ અચિવમેન્ટ જાણીને વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓની પ્રશંસા કરી હતી.
કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ શાહ સાહેબે વિદ્યાલયની ગતિવિધિઓ અને કાર્યક્રમની ખૂબ પ્રશંસા કરી હતી. કેડેટ ખૂબ આગળ વધે તેવા શુભાશિષ પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો, સૂર્યા ફાઉન્ડેશન- દિલ્હીના વાઈસ ચેરમેન શ્રી વેદજી , વિદ્યાલયના ચેરમેન શ્રી સતેન્દ્ર શર્મા, મેનેજર શ્રી સંજય વશિષ્ઠ અને પ્રિન્સિપાલ શ્રી હાર્દિક જોશી ઉપસ્થિત રહી કેડેટોના ઉત્સાહમાં વધારો કરી બિરદાવ્યા હતા. હમ હોંગે કામયાબ વિદ્યાલય સમુહગીત થયું અંતે સૈનિક તાલીમના ભાગરૂપ ઓબ્સટેકલ કરાવી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. દરેક દર્શકોએ જોરદાર તાળીઓના ગડગડાટથી વાતાવરણને ગુંજાવી દીધું હતું.
વિષ્ણુભાઈ પટેલે આભાર દર્શન કર્યું હતું. સંપૂર્ણ કાર્યક્રમનું સફળ સંચાલન વિષ્ણુભાઈ પટેલ, શૈલેષભાઈ સોલંકી, કિંજલબેન ગોહિલ અને કેડેટ અક્ષ નિનામાએ કર્યું હતું. છેલ્લે ઉપસ્થિત સૌ સ્નેહ ભોજન લઈ ઉત્તરાયણ પર્વની મજા માણવા માણી કાર્યક્રમ સંપન્ન થયો હતો