ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજભવન પરિસરમાં નવનિર્મિત અતિથિ ગૃહ-‘આતિથ્યમ્’ અને રાજભવન કર્મચારી આવાસીય પરિસરમાં નવનિર્મિત આવાસીય પરિસર-‘ઐશ્વર્યમ્’ નું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉદ્ઘાટન કર્યું હતું. અતિવિશિષ્ટ અતિથિઓ માટેના ભવન-‘આતિથ્યમ્’માં ૩૫ સ્યૂટ રૂમ અને આધુનિક કિચન સાથેની વ્યવસ્થાઓ છે. જ્યારે રાજભવન કર્મચારી આવાસીય પરિસર-‘ઐશ્વર્યમ્’ માં પ્રથમ તબક્કામાં ૬૪ આવાસોનું નિર્માણ થયું છે. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૩ મા જન્મદિવસે યોજાઈ રહેલા આ સમારોહના શુભારંભે રાજ્યપાલએ રાજભવન પરિવાર વતી અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યાં હતાં.
રાજભવન કર્મચારી આવાસીય પરિસર-‘ઐશ્વર્યમ્’ માં વેદ મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય કરીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ રાજભવનના કર્મચારીઓ-અધિકારીઓ અને તેમના પરિવારજનોને શુભેચ્છાઓ આપતાં કહ્યું હતું કે, “હું કામના કરું છું કે ‘ઐશ્વર્યમ્’ માં રહેતા ક્યારેય ધન અને સંપત્તિનો અભાવ ન રહે, સદાય સુખ રહે. તમામ મનોકામનાઓ પૂર્ણ થાય. મેં દીપ એટલા માટે પ્રગટાવ્યો કે, આપના ઘરોમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાય, ધનનો પ્રકાશ રેલાય અને સ્વાસ્થ્યનો પ્રકાશ પથરાય. સહુ સદા સુખી અને નિરોગી રહો, ધન-ધાન્યથી પરિપૂર્ણ રહો. ઘરમાં કોઈ ક્લેશ ન હોય, સહુ એકમેકના સહયોગી બનીને રહો.”
રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ ૪૦ વર્ષ પહેલાં થયું હતું. ઘણા મકાનો જર્જરીત અવસ્થામાં હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અંગત કાળજી લઈને જલ્દીમાં જલ્દી નવા આવાસોનું નિર્માણ થાય એવા પ્રયત્નો કર્યા, એટલું જ નહીં, નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું એ દરમિયાન પણ અનેક વખત મુલાકાતો લઈને તેમણે નિર્માણકાર્ય ખૂબ વ્યવસ્થિત થાય એની કાળજી લીધી હતી. સ્વચ્છતાના ચુસ્ત આગ્રહી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નાનામાં નાનો ખૂણો પણ વ્યવસ્થિત હોય એનું જાતે ધ્યાન રાખ્યું છે. એટલું જ નહીં, માર્ગ મકાન વિભાગના અધિકારીઓને તેમણે સ્વયમ્ સતત માર્ગદર્શન આપ્યું છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, પરિવારમાં દરેકે રમતની ટીમના ખેલાડીની જેમ વર્તવું જોઈએ. હર એક વ્યક્તિ પોતાના કર્તવ્યનું પાલન કરે તો જ ટીમ વિજયી થાય છે. તેમણે નવા ભવનોમાં પ્રવેશ કરતી વેળાએ સૌને નવા વિચારો, નવા સંકલ્પો અને નવી વિચારધારા સાથે પ્રવેશ કરવાની શીખ આપી હતી. તેમણે કહ્યું કે આપણી વિચારધારાથી જ આપણે ઘરને સ્વર્ગ બનાવી શકીએ છીએ. નકારાત્મક વિચારોથી નર્કની અનુભૂતિ થાય છે. તેમણે સૌને વ્યસનોથી દૂર રહેવાનો આગ્રહ કર્યો હતો. પરિવારની સાચી પૂંજી સંતાનો જ છે, તેમને સારા સંસ્કારો આપવા તેમણે અનુરોધ કર્યો હતો. અઠવાડિયામાં એક દિવસ સૌ કર્મચારીઓ-અધિકારીઓ સાથે મળીને આ સંકુલમાં સ્વચ્છતા અભિયાન ચલાવે એવો પણ તેમણે આગ્રહ કર્યો હતો.
‘આતિથ્યમ્’ અને ‘ઐશ્વર્યમ્’ ના શુભારંભ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના સચિવ અશોક કે. પટેલ અને મુખ્ય ઇજનેર મહેશ આઈ. પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજભવન પરિવાર વતી વરિષ્ઠ કર્મચારી બીપીનચંદ્ર પરમારે રાજ્યપાલનો સૌ કર્મચારીઓ અને અધિકારીઓ વતી આભાર માન્યો હતો.