કપિલ પટેલ દ્વારા અરવલ્લી
કોઈપણ સરકારી કામકાજ હોય મોટાભાગે એજન્સીઓ દ્વારા કામ કરાવવાનું હોય છે. ત્યારે એજન્સીઓની અનિયમિતતા ના કારણે ગ્રાહકોને પરેશાની વેઠવાનો વારો આવે છે. ત્યારે મોડાસા તાલુકા પંચાયત ખાતે આધારકાર્ડ માટે લાભાર્થીઓની લાઇનો જોવા મળી હતી.
હાલ પાનકાર્ડ આધાર સાથે લિંક કરવાની જાહેર કરેલી અંતિમ તારીખ નજીકમાં છે. ત્યારે આધારકાર્ડમાં પણ સુધારા વધારા કરવા માટે ભારે પડાપડી છે. ત્યારે એજન્સીના માણસો મોડાસા તાલુકા પંચાયત ખાતે નિયમિત આવતા નથી. જેથી નવા આધારકાર્ડના ગ્રાહકો તેમજ આધારકાર્ડમાં સુધારા વધારા કરવા માટે દરરોજ લાંબી લાંબી લાઈનોમાં કલાકો સુધી ઉભા રહેવું પડે છે. છેવટે એજન્સીના માણસો ના આવતા નિરાશ થઈને પરત જવું પડે છે.
ખાસ દયનિય સ્થિતિ સિનિયર સિટીઝનોની થાય છે. સિનિયર સિનિઝન નિવૃત્ત પેંશનરોને પણ આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરાવવું જરૂરી છે. ત્યારે વૃદ્ધ ઉંમરલાયક ગ્રાહકોને ગરમીમાં ઉભા રહેવાનો વારો આવે છે. આધારની એજન્સીના માણસો બેસતા હોય છે. ત્યાં સિનિયર સિટીઝનો માટે કોઈ બેઠક વ્યવસ્થા નથી. જેથી વૃદ્ધ લાભાર્થીઓને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે મોડાસા ખાતે આધાર એજન્સી દ્વારા નિયમિતતા દાખવી અને સિનિયર સિટીઝનો માટે યોગ્ય વ્યવસ્થા કરાય એવી માગ છે.