Latest

આજે ૫મી જૂન – વિશ્વ પર્યાવરણ દિવસ વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ – નકામી વસ્તુઓને નવું સ્વરૂપ આપતી અમદાવાદ મહાનગરપાલિકા

અમદાવાદ, સંજીવ રાજપૂત: પ્લાસ્ટિક અને કચરાના નિકાલ માટે ઝઝૂમતા મહાનગરો માટે અમદાવાદ શહેર પ્રેરણાસ્રોત બની ઊભરી રહ્યું છે. વિશ્વ આખું પ્લાસ્ટિકના દૂષણને ડામવા ઉપર ચિંતા કરી રહ્યું છે ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ વેસ્ટ કચરા અને પ્લાસ્ટિકમાંથી બેસ્ટ વિકલ્પ ઉપર કવાયત કરી રહ્યું છે.

અમદાવાદ શહેરમાં દૈનિક ધોરણે ઉત્પન્ન થતાં પ્લાસ્ટિક વેસ્ટને અલગથી એકત્રિકરણ, ટ્રાન્સપોર્ટેશન અને ટ્રીટમેન્ટ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ફેસિલિટી પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત  પ્લાસ્ટિક રિસાઇકલિંગની કામગીરી થઇ રહી છે. શહેરમાંથી એકત્ર કરવામાં આવેલા પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાને રિસાઇકલ કરી મ્યુનિસિપલ કોર્પોરેશનના  બગીચાઓમાં તેમજ શહેરની કેટલીક જગ્યાઓ ઉપર પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનેલા બાકડા (બેંચીસ) મૂકવામાં આવ્યા છે.

છેલ્લાં ૦૨ વર્ષમાં અંદાજિત ૫૧,૧૦૦ મેટ્રિક ટન જેટલો વિવિધ પ્લાસ્ટિક મટિરિયલ જથ્થો રિસાઇકલિંગ વસ્તુના ઉત્પાદન માટે જુદી-જુદી ઈન્ડસ્ટ્રીઝને આપવામાં આવ્યો છે. આ ઉપરાંત બાકી નીકળતા ઇનર્ટ મટિરિયલને સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં કો-ફ્યુઅલ તરીકે ઉપયોગમાં લેવા માટે મોકલી આપવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં ૬થી વધુ લોકેશન ઉપર પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીનો મૂકવામાં આવ્યાં છે, જ્યાં નગરજનો પ્લાસ્ટિકની બોટલ્સ ડિસ્પોઝ કરી શકે છે. આ પ્લાસ્ટિક બોટલને ક્રશ કરી તેમાંથી કપડાં, જીન્સ અને પ્લાસ્ટિકની અન્ય રિસાઇકલ આઇટમો બનાવવા ઉપયોગમાં થઇ રહ્યો છે.

અમદાવાદ શહેરમાં  રિડયૂસ, રિયૂઝ,રિસાઇકલ (RRR) થીમ આધારીત ૭ ઝોનમાં ઝોનદીઠ ૧ મુજબ કુલ ૭ મોબાઇલ RRR વાનથી નાગરિકોની બિન-ઉપયોગી ઘરેલું વસ્તુઓને વધુ ઉપયોગ માટે એકત્રિકરણની એક નવીનતમ પહેલ પણ શરૂ કરવામાં આવી છે.

શહેરનાં ૭ ઝોનમાં આવેલી સોસાયટીઓમાંથી મોબાઈલ RRR વાન મારફતે નાગરિકો પાસેથી જૂની બિનઉપયોગી ચીજ- વસ્તુઓ જેવી કે વપરાયેલા કપડાં, પગરખાં, ચોપડીઓ તથા જૂના રમકડાં અને જુનાં ફર્નિચરો કે ઇલેક્ટ્રિક આઇટમોનું કલેક્શન કરવામાં આવે છે. અમદાવાદ શહેરને સ્વચ્છ અને ઝીરો વેસ્ટ સિટી બનાવવાના ધ્યેય સાથે RRRની પ્રવૃતિઓને વધુ વેગ આપવાના ભાગરૂપે આ ઝુંબેશના કારણે ડમ્પ સાઇટ ઉપર આવતા  કચરાની માત્રામાં ઘટાડો થઇ રહ્યો છે.

સાથો-સાથ પુન:ઉપયોગ અને રિસાઇકલિંગનાં કારણે  પ્રાકૃતિક સંસાધનોની પણ બચત થશે અને અમદાવાદ શહેરને ઝીરો વેસ્ટ સિટી બનાવવાનાં પ્રયાસને વધુ વેગ મળશે.

૭૦ ડિગ્રી સુધી ટકી શકે એવા પ્લાસ્ટિકનાં વેસ્ટમાંથી બાકડા તૈયાર કરાયા: શહેરમાં સ્વચ્છતા જળવાઇ રહે તે ઉદ્દેશથી પ્લાસ્ટિકનાં વેસ્ટમાંથી બાકડા તૈયાર કરવામાં આવ્યા છે. આ બાકડા ૫૦ કિલો રિસાયકલ કરેલ મલ્ટિ-લેયર્ડ પ્લાસ્ટિકથી બનેલા છે. આ બેન્ચમાં ૩ લોકો માટે બેસવાની જગ્યા છે.

આ સાથે  ૪૦૦ કિલો વજન સમાવવાની ક્ષમતા છે. દરેક બેન્ચની કુલ ઊંચાઈ ૩૫ ઇંચ, લંબાઈ ૪૮ ઇંચ અને પહોળાઈ ૨૮ ઇંચ છે. બેન્ચમાં વપરાતુ આ પ્લાસ્ટિક શીટ્સ ગરમી શોષણ ક્ષમતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે અને ૭૦ ડિગ્રી સુધી ટકી શકે છે. આ ઉપરાંત ઉપયોગ ઘણીવાર ઇન્સ્યુલેશન હેતુ માટે થાય છે.

શહેરના ૭ જેટલા વેજિટેબલ – ફ્રૂટ માર્કેટમાં  કલોથ બેગ વેન્ડિંગ મશીનો મુકાશે: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિકમુક્ત બનાવવાના ઉદ્દેશથી એક વધુ મહત્ત્વકાંક્ષી પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત શહેરના વિવિધ વ્યસ્ત સ્થળોએ જ્યાં પ્લાસ્ટિક થેલીઓનો વધુ ઉપયોગ નોંધાતો હોય તેવા – ખાસ કરીને શાકભાજી અને ફ્રૂટ માર્કેટ્સમાં – બજારોમાં  કલોથ બેગ વેન્ડિંગ મશીનો સ્થાપિત કરવાની યોજના અમલમાં મુકાઈ છે.

પ્રારંભિક તબક્કામાં પાયલોટ પ્રોજેકટ અંતર્ગત શહેરમાં ૭ જેટલા વેજિટેબલ – ફ્રૂટ માર્કેટ ઉપર નાગરિકો પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ન કરે અને કાપડની થેલીઓ વપરાશમાં લે તે સારું ક્લોથ બેગ વેન્ડિંગ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવશે.

જેનાં અભ્યાસ બાદ શહેરમાં જુદી જુદી જગાઓએ આવેલા વેજિટેબલ થડા બજારોનાં લોકેશનો આઇડેન્ટિફાય કરીને ક્લોથ બેગ વેન્ડિંગ મશીન ઇન્સ્ટોલ કરવાની થશે. આ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ  ૫મી જૂન ૨૦૨૫ – વિશ્વ પર્યાવરણ દિવસથી થશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત નાગરિકો આ મશીનમાંથી ઓછા ખર્ચે રિયૂઝેબલ કપડાની થેલીઓ મેળવી શકાશે.એટલું જ નહીં, નાગરિકોને પ્લાસ્ટિક થેલીઓના વિકલ્પ તરીકે કપડાની થેલીઓ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવો અને પર્યાવરણીય સંવેદનશીલતા વધારવાનો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડાપ્રધાનની “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં સંપન્ન

અમદાવાદ, સંજીવ રાજપૂત: દેશભરના રાજ્યોના લોક કલાકારોએ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં…

1 of 604

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *