Latest

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ-પ્રદર્શન મેળા’નો ભવ્ય પ્રારંભ કરાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના વરદ હસ્તે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળા’નું ઉદ્ઘાટન સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા આયોજિત આ વેચાણ અને પ્રદર્શન મેળો આગામી તા. ૦૩ ફેબ્રુઆરી સુધી યોજાશે.

આ મેળામાં તમામ આદિવાસી ભાઈ-બહેનોને નિઃશુલ્ક સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. અહી દરરોજ રાત્રે પ્રખ્યાત આદિવાસીઓ નૃત્ય ટીમો દ્વારા વિવિધ આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિ કરશે તેમજ કુલ ૭૫ સ્ટોલ તથા ૧૧૨ હસ્ત કલાકારો-વૈદુ ભગતો ઉપસ્થિત રહ્યા છે. મંત્રીએ આદિવાસી હસ્ત કલાકારો અને વૈદુ ભગતોના સ્ટોલોની મુલાકાત લઈને પ્રોત્સાહિત કર્યા હતા.

આ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આપણે પ્રાકૃતિક, કુદરતી ખેતીવાડી કે અન્ય ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ, પરંતુ તેને બ્રાન્ડ બનાવી શક્યા નથી. જે માટે આ વસ્તુઓ પર વિશ્વાસ, ગુણવત્તા અને ભરોસો ઊભો કરવાનો છે, જેથી આપણે આપણી ચીજ વસ્તુઓની સારી બ્રાન્ડ બનાવી શકીએ. આમ, આદિવાસી સંસ્કૃતિ, હસ્તકલા અને વનૌષધિઓના સંરક્ષણ માટે બ્રાન્ડિંગ તેમજ આધુનિક અભિગમ ખૂબ જરૂરી છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, આજે સમાજમાં ફાસ્ટ ફૂડવાળા ખોરાકને કારણે અનેક રોગ વધ્યા છે. આ રોગોને નિવારવા માટે પ્રાકૃતિક પેદાશોવાળા ખોરાકની ખૂબ જ જરૂરિયાત છે. આગામી સમયમાં પ્રાકૃતિક ચીજ વસ્તુઓની ખૂબ આવશ્યકતા રહેવાની હોવાથી આ પ્રાકૃતિક અને પરંપરાગત ચીજ વસ્તુઓ જાળવી રાખવી અત્યંત જરૂરી છે.

મંત્રી પટેલે કહ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, હસ્તકલા, પોશાક, ભાષા, નૃત્ય, ખોરાક, વન ઔષધીઓ, વિચારો, આધ્યાત્મિકતા વગેરેનું સવિશેષ સંરક્ષણ તેમજ સંવર્ધન થાય તે માટે સતત ચિંતનશીલ અને પ્રયત્નશીલ રહ્યા છે. જે માટે તેમણે આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકી છે.

મને ગર્વ છે કે હું હિન્દુ છું, મને ગર્વ છે કે હું ભારતીય છું અને તેનાથી પણ સવિશેષ મને ગર્વ છે કે હું આદિવાસી છું, તેમ જણાવતા મંત્રીએ કહ્યું હતું કે, આદિવાસી સમુદાયે મારામાં પ્રાકૃતિક અને જમીની સ્તરના મૂલ્યોનું સિંચન કર્યું છે. પોતાના વ્યાવસાયિક અનુભવો વર્ણવતા કહ્યું હતું કે, તેમણે પોતાની વ્યાવસાયિક કારકિર્દી નાના ફટાકડાના ધંધાથી શરૂ કરી હતી. આજે તેઓ જુદા જુદા વ્યવસાયો કરીને એક ઉત્તમ વેપારી બની શક્યા છે. વેપારમાં સાહસિકતા, ધૈર્ય અને પ્રામાણિકતા ખૂબ જરૂરી છે. વેપારમાં નુકસાન થાય તો ડરવું નહીં, પરંતુ મનોમંથન કરવું આવશ્યક છે.

આ કાર્યક્રમમાં કાર્યપાલક નિયામક ડો. સી. સી. ચૌધરીએ ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીનો પરિચય અને સોસાયટી દ્વારા આદિવાસી સમુદાયના સંદર્ભમાં કરવામાં આવેલ સંશોધન, તાલીમ, આદિવાસી મેળાઓ વગેરે સંબંધિત કામગીરીની વિસ્તૃત સમજ આપી હતી. આ ઉપરાંત આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે કાર્યરત યોજનાઓ જેમકે PM-JANMAN, DA-JDUA અને આદિ કર્મયોગી અભિયાન સંદર્ભે રાજ્ય સરકારે કરેલી ઉત્તમ કામગીરી રજૂ કરી હતી.

આ ઉદ્ઘાટન પ્રસંગે સાબરમતી વોર્ડના કોર્પોરેટર બાબુભાઈ રાણા, લાંભા વોર્ડના કોર્પોરેટર શ્રીમતી જશોદાબેન અમલીયાર, આદિજાતિ વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

1 of 624

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *