રાધનપુર. એ.આર. એબીએનએસ : ભારતભરમાં આજે શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનનો પર્વ હર્ષોલ્લાસપૂર્વક ઉજવાઈ રહ્યો છે. બહેનો ભાઈના હાથમાં રાખડી બાંધી તેની લાંબી ઉંમર અને સુખાકારીની પ્રાર્થના કરે છે. પરંતુ, પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોધાણા ગામમાં આ દિવસે રાખડી નથી બાંધાતી. અહીં 800 વર્ષથી ચાલી આવતી એક અનોખી પરંપરા મુજબ રક્ષાબંધન ભાદરવા સુદ તેરસે ઉજવાય છે.
ગામના વડીલો જણાવે છે કે 800 વર્ષ પહેલાં શ્રાવણ સુદ પૂનમના પૂર્વે ગામના ચાર યુવાનો માટલી લઈને તળાવમાંથી પાણી ભરવા ગયા, પણ અકસ્માતે ડૂબી ગયા. આખું ગામ શોકમાં ગરકાવ થયું અને તે વર્ષે રક્ષાબંધન ન ઉજવવાનો નિર્ણય થયો.
ત્યારબાદ ગામના મુખીને સ્વપ્નમાં ગામના દેવ “ગોધણશાપીર દાદા” આવ્યા અને કહ્યું કે ભાદરવા સુદ તેરસે તળાવ પાસે જશો તો ચારેય યુવાનો જીવિત મળશે.આ દિવસે ઢોલના નાદ અને અબીલ-ગુલાલ સાથે ગામવાસીઓ તળાવ પહોંચ્યા અને અદ્દભુત રીતે ચારેય જીવિત મળી આવ્યા. એથી જ આજ સુધી ગામમાં રક્ષાબંધન પૂનમે નહીં, પણ ભાદરવા સુદ તેરસે ઉજવાય છે.
આ દિવસે દીકરીઓ અને વહુઓ ગોધણશાપીર દાદાના મંદિરે સુખડી અને શ્રીફળનો ભોગ ચઢાવે છે અને પછી ભાઈના હાથમાં રાખડી બાંધીને રક્ષાબંધનની વિધિ કરે છે. ગામની દીકરીઓ જ નહીં, પરંતુ અહીં પરણીને આવેલી સ્ત્રીઓ પણ આ પરંપરા નિભાવે છે.આ અનોખી પરંપરા ગોધાણા ગામને માત્ર ગુજરાતમાં જ નહીં, પણ સમગ્ર ભારતમાં વિશિષ્ટ ઓળખ આપે છે.