ગાંધીનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશ વિધાન પરિષદની રુલ્સ રિવિઝન કમિટીએ ગુજરાત વિધાનસભાની અભ્યાસ મુલાકાત લીધી હતી. ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સદસ્ય બુક્કલ નવાબના વડપણ હેઠળની આ કમિટી દ્વારા ગુજરાત વિધાનસભાની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી.
ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાના સંયુક્ત સચિવ સુશ્રી રીટાબેન મહેતાએ સૌનું સ્વાગત કરીને ગુજરાત વિધાનસભાની કામગીરી તથા તેના નિયમો ઉપરાંત ધારાસભ્યશ્રીઓને અપાતી વ્યવસ્થા-સુવિધા અંગે વિસ્તૃત વિગતો આપી હતી.
આ મુલાકાત દરમિયાન વિધાનસભાના નાયબ સચિવ ડૉ. હર્ષિલ પટેલે વિધાનસભા ગૃહમાં મંત્રીઓ અને ધારાસભ્યઓની બેઠક વ્યવસ્થા, પ્રેસ ગેલેરી, વીવીઆઇપી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો ગૃહની કામગીરી નિહાળી શકે તે માટેની વિવિધ બેઠક વ્યવસ્થા સહિત સમગ્ર કામગીરી અંગે કમિટીના સભ્યોને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત કમિટીના સભ્યોને મીડિયા બાઇટરૂમ, વિધાનસભા પોડિયમ, ગ્રંથાલય સહિતની વ્યવસ્થાથી વાકેફ કર્યા હતા.
ઉત્તરપ્રદેશ વિધાન પરિષદની રુલ્સ રિવિઝન કમિટીના સભ્યોએ NeVA સેવા કેન્દ્રની વિગતવાર જાણકારી પ્રાપ્ત કરી હતી. ગુજરાતની પેપરલેસ વિધાનસભા સંચાલન કામગીરીથી પ્રભાવિત થઇને તેમણે વિધાનસભાના સચિવશ્રી સહિત સૌનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ સમિતિના સભ્યો આગામી તા. ૯ ઓક્ટોબર સુધી ગુજરાતમાં રોકાશે. આ દરમિયાન તેઓના સૂચિત કાર્યક્રમ મુજબ અમદાવાદ હેરિટેજ સિટી, સોમનાથ જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર તેમજ મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરની મુલાકાત પણ લેનાર છે.
ગુજરાત વિધાનસભાની મુલાકાત સમયે ઉત્તરપ્રદેશ વિધાન પરિષદની રુલ્સ રિવિઝન કમિટીના સભ્યો સાથે ગુજરાત વિધાનસભાના ઉપસચિવ પ્રવીણ પ્રજાપતિ સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી આવશ્યક માહિતી પૂરી પાડી હતી.