ગેરકાયદે ભરતી કરાયેલા પાલિકા કર્મીઓને ઘરભેગા કર્યા બાદ
છુટ્ટા કરાયેલા મહેકમને કાયમી કર્મચારીઓનો પણ ખુલ્લો ટેકો
વલ્લભીપુર: તા ૧
વલભીપુર નગરપાલિકાના નગરસેવકોએ શહેરના અલગ અલગ વિસ્તારમાં જઈને જાતે જ સફાઈ અભિયાન આદર્યું હતું. સફાઈને લઈને લોકોમાં ખૂબ રોષ હોવાને કારણે રવિવારે 21 સભ્યોની બોડીના અમુક સભ્યોએ વિવિધ વોર્ડમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. પાલિકાના ચીફ ઓફિસરએ ગેરકાયદે ભરતી થયેલા 34 કર્મચારીઓને મહેકમમાંથી છુટ્ટા કરતાં દૈનિક સફાઈ કામગીરી ખોરંભે ચડી હતી. જેના પગલે એકથી છ વોર્ડમાં ખૂબ ગંદકી એકઠી થઈ ગઈ હતી. જેને લઈને પદાધિકારીઓ ખુદ સફાઈ કામગીરીમાં જોતરાયા હતા.
ગેરકાયદે ભરતી કરાયેલા અને માધ્યમોમાં વિવાદ ખૂબ વકરતા ચીફ ઓફિસરે છુટ્ટા કરેલા 34 કર્મચારીઓ થોડાક દિવસોથી પાલિકા કચેરી ખાતે ધરણા પર બેઠા છે. ધરણા પર બેઠેલા 34 પૈકી કોઈએ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને ધાક-ધમકી આપીને તેમના મારફત થતી કામગીરી પણ આજથી સંપૂર્ણપણે બંધ કરાવી દીધી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના 21 સભ્યોમાંથી અમુક સભ્યોએ વિવિધ વોર્ડમાં જઈને જાતે જ સફાઈ અભિયાન હાથ ધરી અને ડસ્ટબીનમાં સુકો અને ભીનો કચરો અલગ અલગ વિભાગમાં ડસ્ટબીનમાં નાખવાની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી તરફ વલ્લભીપુર નગરપાલિકાના છુટ્ટા કરાયેલા કર્મચારીઓને ગેરકાદે ફરજ પર પરત લેવા જીલ્લા ભાજપાના અધ્યક્ષના નેજા હેઠળ તખ્તો ત્યાર થયો હોવાનું આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે. ભાજપાના જ અમુક સભ્યો કર્મચારીઓ બાબતે વિરોધમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ઘણા લાંબા સમયથી ગેરકાયદે કર્મચારીઓના મહેકમનો વિવાદ ચાલી રહયો છે. જેમાં વલ્લભીપુર નગરપાલિકા મહેકમ કરતા વધુ કર્મચારીઓને લઈ ખુબ મોટા પાયે કોભાંડ થયું હોવાનો ભાજપના જ અમુક સભ્યોએ લેખિત ફરિયાદ કરી હતી. જેને લઇ પાલિકાના ચીફ ઓફિસરે થોડા દિવસો પહેલા જ લેખિતમાં નોટીસ આપી 34 કર્મચારીઓને ઘરભેગા કર્યા હતા જેને લઇ ભાજપાના અમુક નગરસેવકોએ ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી.
ગઈકાલે રવિવારે પાલિકા સદસ્યોના સફાઈ અભિયાનમાં પ્રમુખના પ્રતિનિધિ કિશોરભાઈ પરમાર, ઉપપ્રમુખ હાર્દિકસિંહ, કારોબારી કૃષ્ણપાલસિંહ ચુડાસમા અને ચેરમેનો તેમજ નગરસેવિકાના પ્રતિનીધિ મનજીભાઈ, ભૂપતભાઈ પરમાર, નીતિનભાઈ ભોરણીયા .. હાર્દિકભાઈ સાગઠીયા . જગદીશભાઈ મકવાણા હિતેશ ગોહેલ સહિતનાએ વિવિધ વોર્ડમાં જાતે જ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગેરકાદે રીતે કર્મચારીઓને પાછા લેવા માટે જીલ્લા ભાજપાના પ્રમુખ પાસે પણ અમુક સભ્યો અને એક કર્મચારી ગયા હતા અને નવા ચાર્જમાં આવેલ ચીફ ઓફિસરને વાત કરી કર્મચારીઓને પાછા લેવાનો તખ્તો પણ શિહોર ખાતે જીલ્લા ભાજપા પ્રમુખના નેજા હેઠળ ત્યાર થયો હોય તેવી પણ શાશક પક્ષના સભ્યોમાં ચર્ચાઓ થઇ રહી છે.
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર