પ્રજાનો સર્વાંગી વિકાસ થાય તેવી યોજનાઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાઇ છે- કરદેજના સરપંચશ્રી વાલાભાઇ દેસુરભાઇ ડાંગર
વંદે ગુજરાત વિકાસ યાત્રાનો વિકાસ રથ રાજ્યના ગામે ગામ ફરી રહ્યો છે અને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લાં બે દાયકામાં પ્રજાનો સર્વાંગી વિકાસ થાય તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે તેની ઝાંખી રજૂ કરવામાં આવી રહી છે.
ગઇકાલે માલણકાથી શરૂ થયેલ ભાવનગરની આ યાત્રામાં આ રથ આજે કરદેજ ગામે પહોંચ્યો હતો. જ્યાં ગામ લોકોએ તેનું હરખથી સ્વાગત કર્યું હતું.
ગુજરાત આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. છેલ્લાં બે દાયકાના આ વિકાસની વાત લઇને આ રથ કરદેજ ગામે પહોંચ્યો હતો.
ગામના સરપંચશ્રી વાલાભાઇ દેસુરભાઇ ડાંગરે આ અવસરે જણાવ્યું કે, પ્રજાનો સર્વાંગી વિકાસ થાય તેવી યોજનાઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાઇ છે જેનાથી ગ્રામીણ જનતાને મોટા પ્રમાણમાં લાભ થયો છે.
આજે અમારા ગામમાં સામેથી પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ કાઢી આપવાં માટેનો કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્ડ લેવાં માટે અમારા ગામના નાગરિકોએ પહેલાં ભાવનગર સુધી લાંબા થવું પડતું હતું. તેના બદલે હવે સામેથી ઘરઆંગણે આ કાર્ડ કાઢી આપવામાં આવી રહ્યું છે તે સંવેદનશીલ સરકારના દર્શન કરાવે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતે ચારેય દિશામાં જે વિકાસ કર્યો તેની માહિતી જન જન સુધી પહોંચે અને સરકારની અનેક કલ્યાણકારી યોજનાનો લાભ લાભાર્થીઓને મળે તે માટે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ગામે ગામ ફરી રહ્યો છે.
વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ગામમાં આવી પહોંચતા એલ.ઇ.ડી. સ્ક્રીન ઉપર ગ્રામજનોએ સરકારની પી.એમ.જય યોજના, ઉજ્જવલા યોજના, ઉદ્યોગ સાહસિકતા માટેની યોજના, પાણી માટેની યોજના અને ડિજિટલ ઇન્ડિયા સહિતની વિકાસલક્ષી કાર્યોની માહિતી ગ્રામજનોને આ રથ દ્વારા મળી હતી.
આ ઉપરાંત કરદેજ ગામની શાળામાં સરકારની યોજનાઓ વિશેની માહિતી લોકોને મળે તે માટે લોકોના મનોરંજનના પરંપરાગત માધ્યમ એવાં ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તે દ્વારા સંગીતમય પ્રસ્તુતિ વચ્ચે લોકોને સ્પર્શતી બાબતો વિશેની પણ જાણકારી આપવામાં આવી હતી.
આ અવસરે ભાવનગરના ટી.ડી.ઓ.શ્રી પી.કે. રાવત, ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.