જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ ભાવનગર કાર્યક્રમ અન્વયે બેઠક યોજાઈ
ભાવનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ ભાવનગર કાર્યક્રમ અંતર્ગત સેમિનાર પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજાશે
રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમારોહના ઉપલક્ષમાં બે દિવસીય કાર્યક્રમ યોજાશે.
ભાવનગર જિલ્લાનો કાર્યક્રમ આગામી સમયમાં મોતીબાગ ટાઉનહોલ ખાતે યોજાશે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને સર્કીટહાઉસના કોન્ફરન્સ હોલ ભાવનગર ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી, તન્વીબેન પટેલે જણાવ્યું હતુ કે, આ કાર્યક્રમ દ્વારા ઉદ્યોગને લગતી કલ્યાણકારી યોજનાની જાણકારી સરળતાથી મળી રહે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, એમ.એસ.એમ.ઇ, કુટીર ઉદ્યોગ, વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ તેમજ જિલ્લાના વિવિધ ઉદ્યોગો ધ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવશે.
આ પ્રદર્શન વિભાગ બે દિવસ માટે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. જિલ્લાના નાગરિકોને ઉદ્યોગક્ષેત્રે લાભ થાય તે પ્રકારના માર્ગદર્શક સેમિનાર તેમજ જિલ્લાના મોટા ઉદ્યોગ સાથે B2B અને B2C પ્રકારની મીટીંગો યોજાશે. ઉદ્યોગ જગતના નિષ્ણાતો અને સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા ઉદ્યોગને લગતા વિષયો પર બે દિવસીય સેમિનાર પણ યોજાશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો . પ્રશાંત જીલોવા તથા વિવિધ સરકારી વિભાગોના વરીષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.