ભાવનગર જિલ્લાના પ્રવાસે પધારેલ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ વિકાસ વિભાગ મંત્રીશ્રી તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા ભાવનગર શહેરમાં દિનદયાળ અંત્યોદય યોજનાના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન પી.એમ.સ્વનિધિનાં લાભાર્થીઓ સાથે સ્નેહમિલન તથા ગંગાજળિયા તળાવ નાઇટ શેલ્ટર ના લોકાર્પણ કાર્યકમમાં સહભાગી થયા હતા.
આ તકે પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા એ જણાવ્યું હતું કે,પી.એમ.સ્વનીધી યોજના અંતર્ગત કોરોના જેવા સમય માં પણ સરકાર નાના લોકોની પડખે ઊભી રહી અને આ યોજનાના લાભાર્થીને ઘરે જ નાના વ્યવસાય કરી શકે તે માટે કાર્યરત રહી.આ ઉપરાંત સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર બની રહે અને જ્યાં માનવી ત્યાં સુવિધા નાં સૂત્રને સાર્થક દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવ્યું છે.
વધુમાં મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે પી.એમ.સ્વનીધી યોજના અંતર્ગત પ્રથમ ૧૦,૦૦૦ ની લોન અને બાદમાં ૨૦,૦૦૦ અને ૫૦,૦૦૦ ની લોન આપવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ નાના લોકોને પગભર કરવાનો છે. છેવાડાનો માણસ પ્રગતિ કરે તો રાજ્ય અને દેશના વિકાસની સાંકળ થઈ શકે છે.
આ તકે પી.એમ.સ્વનિધી યોજનાના લાભાર્થીઓએ એમના અનુભવો વર્ણવ્યા હતા.માતા યશોદા એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત શિવ શક્તિ એન્ડ હેરાલ્ડ ગ્રુપ સાથે 139.26 કરોડ,ઓર્ચિડ કંપનીના ભાગીદાર શ્રી કમલેશભાઈ શાહ સાથે 107.19 કરોડ,ગોપાલભાઈ સાટીયા સાથે લેઆઉટ પ્લાન ના 101 કરોડ, સુંદર નગર એસ્ટેટ સાથે 84.61 કરોડ તેમજ બાબુભાઈ રવજીભાઈ તથા અન્ય સાથે 84.47 કરોડના લેઆઉટ પ્લાન્ટના એમ કુલ અંદાજીત રૂ. 516 કરોડના એમઓયુ કરવામાં આવ્યા હતા.
આ તકે મેયરશ્રી ભરતભાઈ બારડ,ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા,ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી રાજુભાઇ રાબડિયા,પૂર્વ શિક્ષણમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે,જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતા,મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશ્નર શ્રીમતી એમ.આર.બ્રહ્મભટ્ટ સહિતના મહાનુભાવો,અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.