અંબાજી પ્રહલાદ પૂજારી
મંત્રીશ્રીએ સજોડે યજ્ઞ શાળામાં ઉપસ્થિત રહી નવચંડી યજ્ઞમાં આહુતિ આપી
વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણે ભક્તિભાવ પૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યાં હતાં. અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના બાદ મંત્રીશ્રીએ સજોડે યજ્ઞશાળામાં ઉપસ્થિત રહી નવચંડી યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે હતું કે, મા અંબાની કૃપા અને આશીર્વાદથી આપણા રાજ્ય અને સમગ્ર દેશમાં સુખ-સમૃધ્ધિ પથરાય તથા આપણું ગુજરાત ઉત્તરોતર પ્રગતિના સોપાન સર કરે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે. સૌના જીવનમાં સુખ-સમૃધ્ધિ પથરાય તથા માતાજી સૌને તંદુરસ્ત, દીર્ઘઆયુષ્ય આપે તેવી પણ માતાજીને પ્રાર્થના કરી છે.
આ પ્રસંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ.જે.ચાવડાએ માતાજીનો ખેસ પહેરાવી મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને માઈભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.