મહેન્દ્રપ્રસાદ મોડાસા
મા ઉમિયાના ભક્તોએ નવચંડી મહાયજ્ઞ, અન્નકુટ દર્શન, ધર્મસભા અને ધ્વજારોહનો લાભ લીધો
વિશ્વભરમાં મા ઉમિયાની આસ્થાને ઉજાગર કરવા યુથ કાઉન્સિલની રચના કરાઈ, જેમાં વિશ્વભરના યુવાનો જોડાઈ શકશે.
અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા (504 ફૂટ) જગત જનની મા ઉમિયાના મંદિર ખાતે હાલના સ્મૃતિ મંદિરનો દ્વિતિય પાટોત્સવ તા.28/02/2022ને સોમવારના રોજ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો. વહેલી સવારે મંદિર પર ધ્વજારોહણ કરાયું તો નવચંડી મહાયજ્ઞમાં 12 પરિવારોએ લાભ લઈ મા ઉમિયાના આશીર્વાદ મેળવ્યા. સાથો સાથ જગત જનની મા ઉમિયાને 56 ભોગનો અન્નકુટ ધરાવાયો હતો.
જેના દર્શનનો લાભ લઈ અનેક ભક્તોએ ધન્યતા અનુભવી હતી. જ્યારે સાંજે 6.30 કલાકે મા ઉમિયાની મહાઆરતી પણ કરાઈ હતી.
દ્વિતિય પાટોત્સવ નિમિતે બપોરે 11 કલાકે ધર્મસભાનું આયોજન કરાયું હતું જેમાં અલગ અલગ દાતાઓએ 4 કરોડના દાનની જાહેરાત કરી છે. ધર્મસભામાં આધ્યાત્મિક કાર્યક્રમ સાથો સાથ વિશ્વભરમાં મા ઉમિયાની આસ્થાને ઉજાગર કરવાના લક્ષ્ય સાથે યુથ કાઉન્સિલ( યુવા કમિટી)ની રચના કરાઈ છે. જેની જવાબદારી વસંતભાઈ ઘોળુને અપાઈ છે. આ કાર્યક્રમમાં સંગઠન કમિટીના હોદ્દેદારોને પદભાર પત્ર પણ એનાયત કરાયા હતા.
આ પ્રસંગે વાત કરતાં સંસ્થાના પ્રમુખ શ્રી આર.પી. પટેલે જણાવ્યું હતું કે વિશ્વઉમિયાધામના માધ્યમથી વિદેશમાં ભણવા જવા સમયે અવાર નવાર પડતી તકલિફોને દૂર કરવા વિદેશ અભ્યાસ માર્ગદર્શન કેન્દ્રની શરૂઆત કરાઈ છે. સાથો સાથ મહેસાણાની શ્રી હરિ કન્સલટન્સીએ વિશ્વઉમિયાધામના માધ્યમથી જતાં વિદ્યાર્થીઓને ક્લાસિસ ફીમાં ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે જેનો લાભ હજારો પાટીદાર યુવાનોને મળશે. વધુમાં સનફ્લાવર લેબોરેટરી, અમદાવાદ તેમને ત્યાં આવતાં દર્દીઓને 50 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. વિશ્વઉમિયાધામ દ્વારા અપાયેલાં કાર્ડ મુજબ લોકોને સનફ્લાવર લેબોરેટરીમાં 50 ટકા ડિસ્કાઉન્ટ અપાશે.
આ ધાર્મિક કાર્યક્રમો સાથે સાથે વિશ્વઉમિયાધામ ખાતે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું . જેમાં 500થી વધુ દર્દીઓની આંખની ફ્રી તપાસ કરાઈ હતી.