સન્માનના બદલે શહીદોની ઠેકડી
પાર્ટી પ્રચાર માટે લાખો રૂપિયાના તાઇફા કરતાં રાજકારણીઓએ નફ્ફટતાની તમામ હદ વટાવી
પાણીના જગ પર ભગતસિંહની તસ્વીરને ગોઠવી ફોટા પડાવ્યા
તાજેતરમાં શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની પુણ્યતિથિ નિમિતે મનાવાતા શહીદ દિવસે દેશમાં ગૌરવભેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા હતા. આ નિમિત્તે ભાવનગરમાં શહેર ભાજપ દ્વારા આયોજિત થયેલા કાર્યક્રમમાં શહીદોને સન્માન આપવાના બદલે જાણે શહાદતની ઠેકડી ઉડાવાતી હોય એવા આંચકાજનક દ્રશ્યો કેમેરામાં કેદ થયાં હતાં. શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ આપવાના કાર્યક્રમમાં સ્થાનિક હોદ્દેદારોને ફોટા પડાવવામાં વધુ રસ હતો. શહીદ વીર જવાન ભગતસિંહની તસ્વીરને યોગ્ય સ્થાન આપવાના બદલે પાણીના જગ પર છાપું પાથરી તેમની તસ્વીર ગોઠવી દેવાઈ હતી. નપાવટ અને બેશરમ રાજકારણીઓએ માત્રને માત્ર પોતાના ફોટા પડાવવા જ આ આયોજન કર્યું હોય એવું જાહેર થયેલા ફોટોમાં સ્પષ્ટ વર્તાઈ આવે છે.
શહીદી કોને કહેવાય એ આવા દંભી નેતાઓને ક્યાંથી ખબર હોય? ક્યારેક કોઈ શહીદના પરિવારને મળવા ગયા હોય તો ખબર પડે કે દેશ માટે ફના થઈ જનાર વીર જવાનનું સન્માન કરીયે એટલું ઓછું છે. જ્યારે અહીં તો સ્વપ્રશસ્તિ અને આત્મસ્લાધા માટે નગુણા નેતાઓ એકઠા થયા હોય અને કોઈ તમાશો કરવાનો હોય એવા ભાવ તમામના ચહેરા પર જોઈને બુદ્ધિજીવીઓ તમામ કહેવાતા નેતાઓ પર થું-થું કરી રહ્યા છે.
અહેવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર