ગંભીરસિંહજી હાઈસ્કૂલ મેદાનની કચરાપેટીમાં જીવલેણ મેડિકલ વેસ્ટ ઠલવાયો
વલ્લભીપુર
વલભીપુર શહેરમાં બે દિવસ પહેલા શાળા નજીકથી ખાનગી ક્લિનિક દ્વારા નિકાલ કરવામાં આવેલા મેડિકલ વેસ્ટના જથ્થામાંથી અણસમજુ બાળકોએ વપરાયેલા અમુક ઇન્જેક્શન સિરિન્જનો જથ્થો રમવા માટે એકઠો કરી સ્કૂલબેગમાં ભર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ બનાવમાં જવાબદારો સામે પગલાં ભરાયા નથી ત્યાં જ શહેરની ગંભીરસિંહજી હાઈસ્કૂલની પાછળના મેદાનમાં નગરપાલિકાની કચરા પેટીમાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવતા તંત્રની પોલંપોલ છતી થઈ છે.
આ મેદાન પર વહેલી સવારથી લોકો કસરત કરવા, દોડવા, પોલીસ આર્મી જેવી ભરતી માટેની તૈયારી કરવા માટે આવે છે. વળી સ્કુલના બાળકો ક્રિકેટ રમવા માટે પણ અહીં આવતા હોવાથી આ સ્થળે મેડિકલ વેસ્ટનો નિકાલ જોખમી બનવાની શકયતા સેવાઇ રહી છે. ચોંકાવનારી બાબત તો એ પણ છે કે અહીંની કચરા પેટીમાંથી ગાયો કચરો ખાય છે ત્યારે આવનારા દિવસોમાં દુધાળા પશુઓમાં ગંભીર રોગચાળો ફેલાવવાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. તંત્ર આ બાબતે યોગ્ય કરે તેવી લાગણી પ્રબળ બની છે.
એહવાલ ધમેન્દ્ર સિંહ સોલંકી વલભીપુર