સુરત: શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને કામરેજ મામલતદાર કચેરી ખાતે કામરેજ વિસ્તારના લોકહિતના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રીશ્રીએ અમલીકરણ અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં કામરેજ તાલુકાના રસ્તા, જમીન, સુડા વિસ્તારમાં આવતા ડ્રેનેજ, DGVCL, પોલીસ વિભાગ, સ્કૂલ, તલાટીકમમંત્રી, સરકારી આવાસ, સિંચાઈ, આંગણવાડીઓ અને આરોગ્ય વિભાગ, ખાડીઓની સફાઈને લગતા પ્રશ્નો અને રજૂઆતો પર વિચાર વિમર્શ કરાયો હતો.
મંત્રીશ્રીએ કામરેજ તાલુકામાં આવતા સુડા હેઠળના કામોમાં આવાસ અંગે સુડાના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
પોલીસ વિભાગને ટ્રાફિકની સમસ્યા માટે, માર્ગ મકાન વિભાગને રસ્તાઓ અંગે લોકોને સરળતા રહે માટે પ્લાનિંગ કરવા જણાવ્યું હતું. કામરેજ તાલુકાના ગામડાઓમાં વીજપ્રશ્નોને ધ્યાને લઈ DGVCL ને યોગ્ય નિરાકરણ માટે જણાવ્યું હતું.
આ બેઠકમાં માન. મંત્રીશ્રીએ કામરેજ વિસ્તારમાં સામાન્ય વ્યક્તિને કોઈપણ સમસ્યા ન રહે તેમજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના લોકપ્રિય નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર અને માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના મક્કમ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારની વિવિધ જનસુવિધાઓ, જનકલ્યાણકારી યોજનાઓનો લાભ મળે એ મુજબ સ્થાનિક તંત્રને કામ કરવા પર સવિશેષ ભાર મૂક્યો હતો અને સ્થાનિક વિસ્તારમાં આવેલા અંદાજીત 1685 ઝૂંપડાઓમાં રહેતા નાગરિકોને આવાસ યોજના હેઠળ આવરી લઈ અંત્યોદયના માનવીના “ઘરનું ઘર” સ્વપ્ન સાકાર કરવા માટે યોગ્ય આયોજન કરવા જણાવ્યું હતું. બેઠકમાં કામરેજ તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સુડા, DGVCL, પોલીસ વિભાગ, તલાટીકમમંત્રીઓ, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ,આરોગ્ય વિભાગ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.