શિક્ષણમાં જ્ઞાનની અભિવૃદ્ધિ માટે જિજ્ઞાસાવૃત્તિ અતિ મહત્વનો ભાગ ભજવે છે. વ્યક્તિને કંઈક નવું જાણવાની કૂતુહલતા અને તે દિશા તરફનો હકારાત્મક અભિગમ તેને ચોક્કસ ફળીભૂત થતો હોય છે. જે સંદર્ભે એક શિક્ષક તેનાં વ્યવસાયિક પરિપેક્ષ્યમાં સુસજ્જ અને જીવંત બની રહે એવાં શુભ હેતુસર બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષકો માટે ઓનલાઈન ક્વિઝ કોમ્પીટીશનનો નવતર અભિગમ અમલમાં મૂકવામાં આવેલ છે. જેને અપેક્ષિત પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
સદર ઓનલાઈન ક્વિઝ કોમ્પીટીશન સંદર્ભે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે શાળાનાં બાળકો પોતાનાં રૂટિન અભ્યાસ સાથે રોજબરોજની ઘટનાઓ, વિશેષ દિવસો, વ્યક્તિ વિશેષનાં જીવન ચરિત્ર વિગેરેથી સુપરિચિત બને તે ઇચ્છનીય છે. આ માટે શિક્ષક જ યોગ્ય માધ્યમ છે જેમાં બેમત નથી. ઉપરોક્ત બાબતોને પરિણામલક્ષી બનાવવા છેલ્લાં બે મહિનાથી બી.આર.સી. ભવન દ્વારા ઓનલાઇન ક્વિઝનો નવતર અભિગમ અમલમાં મૂકેલ છે. જે તે દિવસે આ ક્વિઝની લિંક 30 મિનિટ સુધી એક્ટિવ રહે છે. 25 પ્રશ્નોની આ ક્વિઝની સમયમર્યાદા 10 મિનિટની રાખવામાં આવે છે. જેને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે જે આનંદની વાત છે.
આ નવતર અભિગમનાં શુભારંભે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે યોજવામાં આવેલ ક્વિઝનાં વિજેતા શિક્ષકો આ મુજબ છે. પ્રથમ: રજનીબેન એચ. પટેલ (સાયણ સુગર પ્રા. શાળા) દ્વિતીય: સેજલબેન સી. પટેલ (દિહેણ પ્રા. શાળા) તૃતિય: ભરતભાઈ પી. ટેલર (સરોલી પ્રા. શાળા) જ્યારે વિશ્વ માતૃભાષા દિવસની ક્વિઝનાં વિજેતા આ મુજબ છે. પ્રથમ: દર્શનાબેન જે. પટેલ (અરીયાણા પ્રા. શાળા) દ્વિતીય: પૂર્ણિમાબેન બી. પટેલ (કુદિયાણા પ્રા. શાળા) તૃતિય: શર્મિલાબેન બી. પટેલ (સરસ પ્રા. શાળા)
ક્વિઝનાં વિજેતા સારસ્વતમિત્રોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. સૌને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર તથા બી.આર.સી. પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, ભરૂચ.