“નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી” ના નાદ વાતાવરણ માં ગુંજી ઉઠ્યા.
દીવના સુરજવાવ ચોક પાસે આવેલી દ્વારકાધીશ હવેલીમાં અધિક શ્રાવણમાસ દરમિયાન દ્વારિકા નાથનો જન્મોત્સવ ખૂબ આનંદપૂર્વક ઉજવવામાં આવ્યો. આ મહિને અધિક માસ ચાલી રહ્યો છે જેને કારણે બે શ્રાવણ માસ છે.કાળિયા ઠાકોરના જન્મોત્સવ જન્માષ્ટમીની બે મહિનામાં બે વાર ઉજવણી કરાશે.
કૃષ્ણ જન્મોત્સવ ની તૈયારીઓ દ્વારકાધીશ હવેલી મા સવારથી જ ચાલુ કરી દેવામાં આવી હતી. વૈષ્ણવ દ્વારા ફૂલની રંગોળી સજાવવામાં આવી હતી. કૃષ્ણ જન્મ રાતત્રે ૧૨ વાગે ઉજવવામાં આવે છે પરંતુ કૃષ્ણ ઘેલા વૈષ્ણવો રાતે ૧૦ વાગ્યાથી સાથે મળીને ઉત્સાહ અને ખૂબ જ ભાવપૂર્વક ભજન કીર્તનની રેલમછેલ બોલાવી હતી.
અને એવું દ્રશ્ય સર્જાયું હતું કે જગતનો નાથ કૃષ્ણ પણ જાણે આ ધરતી ઉપર અવતરવા માટે ઉત્સુક થઈ રહ્યો ના હોય! લાલનને આવકારવા વૈષ્ણવો એટલા ઉત્સુક અને ભક્તિમાં લીન બન્યા હતા કે કીર્તન ગાતા ગાતા સર્વે રાસ રમતા ઝૂમી ઊઠ્યા હતા.
અંતિમ વૈષ્ણવોની ઉત્સુકતા નો અંત આવ્યો અને બાર વાગ્યે મુખ્યજી દ્વારા નિજ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા અને ખુલ્લા પડદે દ્વારિકાના નાથ ને સ્નાન અભિષેક કરાવવામાં આવ્યું. આ દર્શન કરતા સર્વે ભક્તો ની આંખો ભાવથી છલકાઈ હતી. નિજ મંદિરમાં આરતી થયા બાદ હવેલીના ચોકમાં મટકી ફોડ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.
અને ત્યારે ” નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી….” ના નાદ થી મંદિર ગુંજી ઉઠ્યું હતું. સર્વે ભક્તોએ કીર્તનની સાથે પોતાની ખુશી વ્યક્ત કરતા ફૂલની પાંદડીઓની સાથે અબીલ ગુલાલથી એકબીજાને રંગી નાખ્યા હતા. ત્યારે એવું લાગતું હતું કે સર્વે ભક્તો માત્ર અબીલ ગુલાલથી નહીં પરંતુ કૃષ્ણના રંગે રંગાયા છે. સર્વે એ એકબીજાને કૃષ્ણ જન્મની વધાઈ આપી હતી.
શ્રાવણ માસ દરમિયાન પણ દ્વારકાધીશ હવેલીમાં જન્માષ્ટમી મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે વિવિધ પ્રકારના હિંડોળા સજાવવામાં આવે છે અને અનેક વૈષ્ણવો આ હિંડોળામાં મનોરથી તરીકે પોતાનું નામ નોંધાવીને સત્કાર્યના સહભાગી થતા હોય છે. જો કોઈ પણ ભક્તોને શ્રાવણ માસ મા હિંડોળાનું મનોરથી બનવું હોય તો તે હવેલીના મુખ્યાજી નો સંપર્ક કરી શકે છે.
રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ