ભાવનગર: ભાવનગરના ગારીયાધાર સ્થિત સરકારી સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા આન, બાન અને શાન સાથે ધ્વજવંદન કરી, સલામી ઝીલી, પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ભાવનગર જિલ્લાની શ્રેષ્ઠ શાળા મોડલ સ્કૂલ માનવડ, પોલીસ, આરોગ્ય, ૧૦૮ એમ્બ્યુલન્સ, વન વિભાગ, યોગ બોર્ડ, પંચાયત તથા શિક્ષણ વિભાગ ઉપરાંત વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય સેવાને સન્માનીત કરી બિરદાવી હતી.
તેઓએ જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલાં આહવાનને પગલે સમાજના તમામ વર્ગોને સાથે લઈને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવાની ઉજળી પરંપરા ભારતે વિકસિત કરી છે. “મારી માટી મારો દેશ”, “હર ઘર તિરંગા” અને “તિરંગા યાત્રા” થકી આપણાં ઘર, કચેરી, વ્યવસાયિક પ્રતિષ્ઠાનો, ઔદ્યોગિક ગૃહો આ દરેકે – દરેક જગ્યાએ તિરંગો લહેરાવીને ‘મા’ ભારતીનું ગૌરવગાન છે.
ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અવિરત જનસેવા અને વિકાસની આરાધનાનું અનુષ્ઠાન કર્યું છે અને અંત્યોદયના માનવીને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, ત્યારે જિલ્લાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટરશ્રીને રાજ્ય શિક્ષણમંત્રી દ્વારા આપવામાં આવ્યો હતો.