જીએનએ અમદાવાદ: અમદાવાદ સિવિલ મેડિસિટીમાં SOTTO (State Organ and Tissue Transplant Organisation) અને GUTS (Gujarat University of Transplant sciences) દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યના ૧૪૩ અંગદાતા પરિવારજનોનું ઋણ સ્વીકાર કરીને બહુમાન કરાયું હતું.
છેલ્લા એક વર્ષમા રાજ્યની વિવિધ હોસ્પિટલમાં બ્રેઇનડેડ ૧૪૩ અંગદાતા પરિવારજનોએ સ્વજનના અંગદાનનો નિર્ણય કરીને અનેક લોકોને નવજીવન બક્ષ્યું છે. તે તમામ પરિવારજનોનું ઋણ સ્વીકાર કરતાં બહુમાન કરાયું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું વિવિધ અંગોનુ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલ દર્દીઓ દ્રારા બહુમાન કરાયું હતુ.
આરોગ્ય વિભાગના કમિશનર શાહમિના હુસેને આ પ્રસંગે જણાવ્યું કે,સરકારી હોસ્પિટલમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટનું ગુજરાત મોડલ અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય -મા યોજના અને સ્કુલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત ટ્રાન્સપ્લાન્ટ સંપૂર્ણપણે નિ:શુલ્ક ઉપલબ્ધ બન્યું છે. આજે રાજ્યનો ગરીબ કે મધ્યમવર્ગીય દર્દી પણ રાજ્યની સરકારી હોસ્પિટલમાં આયુષ્માન યોજના અંતર્ગત નિ:શુલ્કપણે ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે છે.
તેમણે અંગદાતાઓના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં તાજેતરમાં ગુજરાતને અંગદાનન ક્ષેત્રે ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં મળેલ પ્રધાનમંત્રી એક્સલન્સ એવોર્ડ તમામ અંગદાતા પરિવારજનો તેમજ અંગોના રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટ સાથે સંકળાયેલ તમામ લોકોને સમર્પિત કર્યો હતો.
SOTTO ના કન્વીનર અને GUTS ના VC ડૉ. પ્રાંજલ મોદીએ આ ક્ષણે કિડની ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક ડૉ.એચ.એલ.ત્રિવેદીની સંધર્ષગાથાને યાદ કરીને લોકો સમક્ષ ઉજાગર કરી હતી. એક દિવસમાં એક ટ્રાન્સપ્લાન્ટથી શરુ કરાયેલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ આજે દિવસના ૧૩ ટ્રાન્સપ્લાન્ટ સુધી પણ પહોંચ્યું છે.
૨૫ વર્ષ ૨૩ જુલાઇ ૧૯૯૭ એ કિડનીના કેડેવર ટ્રાન્સપ્લાન્ટથી શરુ થયેલ કિડની ઇન્સ્ટિટ્યૂટની સફર આજે લીવર, સ્વાદુપિંડ, ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચી છે.
કિડની ઇન્સ્ટિટ્યૂટમા અત્યાર સુધીમાં ૬૦૦ સફળ લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા છે.
અંગદાતા ઋણ સ્વીકાર કાર્યક્રમમાં કિડની ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક ડૉ.એચ.એલ.ત્રિવેદીના ધર્મપત્ની સુનીતાબેન ત્રિવેદી, આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર ડૉ.આર.દિક્ષીત, સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશી,યુ.એન.મહેતા ડાયરેક્ટર ડૉ.ચિરાગ દોશી, કિડની ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ.વિનીત મિશ્રા, જી.સી.આર.આઇના ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યા, સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ પિયુષ મિત્તલ, ડૉ.અનિલ પટેલ ,ડૉ. ભરત અમીન સહિત મોટી સંખ્યામાં અંગદાતા પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતા.