અમરેલી, સંજીવ રાજપૂત: અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાઓની ‘વાર્ષિક સાધારણ સભા’નો કાર્યક્રમ અમર ડેરી-નવા પ્લાન્ટ, અમરેલી ખાતે યોજાયો હતો. કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પરષોતમભાઈ રૂપાલાએ અમર સેન્ટર ઓફ એક્સેલન્સ (ગીર ગાય સંવર્ધન) પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતુ.
આ સેન્ટર ઓફ એક્સેલન્સ-એમ્બ્રિયો ટ્રાન્સફર લેબના નિર્માણ માટે રૂ. ૧૫ કરોડની જમીન સહકારી સંઘ દ્વારા આપવામાં આવી છે સાથે આઈ.વી.એફ લેબોરેટરીના નિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા કુલ રૂ. ૮૩ કરોડની સહાય આપવામાં આવી છે.
આ સમગ્ર પ્રોજેક્ટનું નિર્માણ કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના અંતર્ગત કરવામાં આવશે. આ યોજના થકી પશુપાલકોને અસલ નસ્લની ગીર ગાય ઘર બેઠા પ્રાપ્ત થશે.
આ ટેક્નોલોજી નજીકના ભવિષ્યમાં પશુપાલન, ડેરી ઉદ્યોગ અને સહકારી ક્ષેત્રે આમુલ પરિવર્તન લાવશે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ બાયોગેસ તથા વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. ઉપરાંત ઇફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે અમર એમ્બ્રિયો ટ્રાન્સફર આઈ.વી.એફ લેબોરેટરીનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાએ સંબોધતા જણાવ્યું હતુ કે, સમગ્ર દેશમાં આજે સહકારી ક્ષેત્રે પ્રગતિલક્ષી કામગીરી થઈ રહી છે ઉપરાંત આજે સહકારી ક્ષેત્ર મજબૂત બની ચૂક્યું છે.
આપણી રાષ્ટ્રીય બેંકોએ હવે નફો કરતી બેંકો તરીકેની ઓળખ પ્રાપ્ત કરી છે જેના મૂળમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા હાથ ધરવામાં આવેલ અસરકારક બેંકિંગ સુધારાઓ, નિર્ણયો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આગામી સમયમાં સેન્ટર ઓફ એક્સેલન્સ-એમ્બ્રિયો ટ્રાન્સફર લેબ સાથે આઈ.વી.એફ લેબોરેટરી ટેક્નોલોજી પશુપાલન, ડેરી ઉદ્યોગ અને સહકારી ક્ષેત્રે ગેમ ચેન્જર સાબિત થશે. વધુ ઉમેરતાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું કે, ભારતમાં યોજાયેલ જી-૨૦ સમીટની સફળતા, તાજેતરમાં સંસદમાં સ્પષ્ટ બહુમતીથી પસાર થયેલ મહિલા અનામત બિલ અને ચંદ્રયાન-૩ની સફળતા થકી ભારતે દુનિયામાં પોતાની આન,બાન અને શાન વધારી છે.
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સંબોધતા જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્ર ગ્રામ્ય કક્ષાએથી ઉભી થયેલ અને શહેરી ક્ષેત્ર સુધી વિસ્તાર પામેલ એક વ્યવસ્થા છે. ગુજરાતમાં સહકારી ક્ષેત્ર આજે આકાશી ઊંચાઈ પ્રાપ્ત કરી રહ્યું છે અને સમગ્ર દેશમાં સહકારી ક્ષેત્રે ડંકો વગાડી રહ્યું છે. વધુ જણાવતાં તેમણે જણાવ્યું કે, સહકારી ક્ષેત્ર થકી આજે ખેડૂતો અને પશુપાલકો સશક્ત બન્યા છે.
સહકાર દ્વારા મજબૂત રાષ્ટ્ર નિર્માણ માટે “સહકારથી સમૃદ્ધિ” અને અમરેલી જિલ્લા સહકારી સંસ્થાઓની ‘વાર્ષિક સાધારણ સભા’ કાર્યક્રમમાં સાંસદ નારણભાઈ કાછડીયા, ઇફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, રાજુલા ધારાસભ્ય હિરાભાઈ સોલંકી, લાઠી-બાબરા ધારાસભ્ય નજકભાઈ તળાવીયા, ઠક્કરબાપા નગર, અમદાવાદ ધારાસભ્ય કંચનબેન રાદડીયા, નેશનલ મેન્ટર આઈ.વી.એફ લેબોરેટરી,ભારત સરકાર ડો. શ્યામ ઝાવર, અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, જિલ્લા પંચાયત અમરેલી પ્રમુખ ભરતભાઈ સુતરીયા સહિત બહોળી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો, પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.