ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લર મેનેજમેન્ટની ૩૩ દિવસીય નિવાસી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થાના ડાયરેક્ટરશ્રી તથા ફેકલ્ટીશ્રી દ્વારા દિપ પ્રાગટ્ય કરી આ ૩૩ દિવસીય તાલીમને ખુલ્લી મુકવામાં આવી હતી. તા.૨૨.૦૯.૨૦૨૩ થી ૨૧.૧૦.૨૦૨૩ ના રોજ યોજાનાર આ તાલીમ કાર્યક્રમમાં ભાવનગરના વિવિધ તાલુકાના ગામમાંથી બી.પી.એલ તાલીમાર્થી બહેનોએ ભાગ લીધો છે.
આ તાલીમ માં ૩૩ જેટલા બી.પી.એલ તાલીમાર્થી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમ પૂર્ણ કર્યા બાદ ડાયરેક્ટરશ્રી રમેશકુમાર એસ. રાઠોડ દ્વારા બ્યુટી પાર્લર માટે લોન વિષે માહિતી આપવામાં આવી હતી. સાથોસાથ તેમના ઉદ્દબોધનમાં તાલીમાર્થી બહેનોને આત્મવિશ્વાસનું સિંચન કરી જીવનમાં પગભર થવાની પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે ફેકલ્ટીશ્રી નિલેષભાઇ બરોલીયા, ફેકલ્ટીશ્રી હંસાબેન ચાવડાગોર, સ્ટાફશ્રી સંજયભાઇ શુક્લ તેમજ ડી.એસ.ટી ફેકલ્ટીશ્રી રેખાબેન સોનાણી સહિત બી.પી.એલ તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.