ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના નાની વાવડી ગામે સ્વ.ફુલીમા નથુભાઈ નારોલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી વશરામભાઈ બી. નારોલા અને શ્રી ધરમશી બી. નારોલાના સૌજન્ય થી નવનિર્મિત નાની વાવડી પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા દ્વારા કરવામાં આવ્યું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,શિક્ષણ ભવનનું નિર્માણ એક નિષ્કામ કર્મયોગનું કાર્ય છે. આ જ્ઞાનયજ્ઞ માટે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ નિરંતર કાર્યો કરતા રહે છે.
તદુપરાંત મંત્રીશ્રીએ જણાવ્યું કે,રાજ્યની શાળાઓમા્ આધુનિક કમ્પ્યુટર લેબ નિર્માણ કરવામાં આવ્યું છે અને નવા ઓરડા હજુ બાંધકામની પ્રક્રિયામાં છે. વૈશ્વિક શિક્ષણ સાથે હવે આવનાર સમયમાં આધ્યાત્મિક શિક્ષણ પણ રાજ્યની શાળામાં આપવામાં આવશે.
શિક્ષણ ભવનનું નિર્માણ એક નિષ્કામ કર્મયોગનું કાર્ય છે ત્યારે આ શિક્ષણરૂપી જ્ઞાન યજ્ઞ નિરંતર ચાલુ રહે તેના માટે મંત્રીશ્રી એ સર્વ ગ્રામજનો ને વિદ્યા સંકુલમાં સ્વછતા જાળવવાનું પણ આહવાન આપ્યું હતું.
લોકાર્પણ ના આ પ્રસંગે કથાકારશ્રી જીગ્નેશ દાદા, ડી.પી.ઈ.ઓ શ્રી એમ.પી.બોરીચા, નાની વાવડી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી કિરણભાઈ પટેલ, દાતાશ્રીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.