અંબાજી, સંજીવ રાજપૂત: યાત્રાધામ અંબાજી ખાતે જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં બે દિવસીય ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 52મુ અધિવેશન યોજાયુ હતું. આ અધિવેશનમાં શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પધારેલા મંત્રીશ્રીએ આદ્યશક્તિ મા અંબા ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
આ સંમેલનમાં પધારેલા શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે અર્ક ,તર્ક અને સતત સંપર્કમાં રહેતા આચાર્યઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ સુધીની સફરમાં વિદ્યાર્થી વર્ગમાં બહુ જ મોટો ફાળો તમારો રહેલો છે. ભારત આજે વિશ્વમાં નવી ઊંચાઇઓ સિધ્ધ કરી રહયું છે. 2047 સુધી વિકસિત ભારત બનાવવા માટે આપણે બધાએ સાથે રહી એક બીજાના સહયોગથી આગળ વધવું પડશે. સરકાર સમાજના દરેક વ્યક્તિ માટે યોજનાઓ ઘડે છે.
સમાજમાં રહેલા દુષણોને મૂળમાંથી ઉખાડી ફેંકવામાં શિક્ષકો બહુ જ મહત્વનું યોગદાન આપી શકે છે. મંત્રીશ્રીએ આચાર્યશ્રીઓને સર્વિસમા સેવાનો ભાવ રાખી ફરજ નિભાવવા જણાવ્યું હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે આપણે ગ્રાન્ટેડ શાળામાંથી નવી પેઢીનું સર્જન કરી શકવામાં સક્ષમ એવી ગેરેન્ટેડ શાળા બનાવાની છે. આપણે ફક્ત કર્મચારી નહિ, રાષ્ટ્રના નિર્માતા બનીએ. શિક્ષણના હિતમા ,વિદ્યાર્થીના હિતમાં આપની સાથે ચિંતન અને મનન કરી નાના મોટા પ્રશ્નોને આપણે સૌ સાથે મળીને નિરાકરણ લાવીશુ એમ તેઓએ જણાવ્યું હતું.
ગુજરાત આચાર્ય સંઘના પ્રમુખ જે .પી પટેલે જણાવ્યું કે આજનો કાર્યક્રમ અભૂતપૂર્વ છે કારણ કે આપણા પડતર પ્રશ્નો માટે આંદોલન વગર નિરાકરણ આવ્યું છે. એ બદલ તેઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ ઉપસ્થિત સૌ આચાર્યશ્રીઓને વિનંતી કરી હતી કે આપણી ફરજ પ્રત્યે હંમેશા નિષ્ઠાવાન રહેવા જણાવ્યું હતું.
આ અધિવેશનમાં પ .પૂ સ્વામીશ્રી આત્માનંદ સરસ્વતીજી, પૂર્વ શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા, બાબુભાઇ પટેલ, નવનીત પ્રકાશનના માલિકશ્રી રાજુભાઈ, ગુજરાત આચાર્ય સંઘ ગુજરાતના તમામ જીલ્લાઓના પ્રમુખ અને મહામંત્રીઓ, પૂર્વ હોદેદારો અને ગુજરાતભરમાંથી પધારેલ આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા