Latest

૩૪૦૦ કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના સૌથી વિશાળ બિલ્ડીંગ ‘સુરત ડાયમંડ બુર્સ’ને ખૂલ્લું મૂકતા પીએમ મોદી

સુરત, સંજીવ રાજપૂત: સુરતના ખજોદમાં રૂ.૩૪૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ બિલ્ડીંગ ‘સુરત ડાયમંડ બુર્સ’ને ખૂલ્લું મૂકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુર્સને હીરા ઉદ્યોગના વિકાસને બુસ્ટ આપતું અપ્રતિમ સાહસ ગણાવ્યું હતું.

બુર્સમાં ભારતના સૌથી મોટા ‘કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ’, જ્વેલરી મોલ અને ઈન્ટરનેશનલ બેંકિંગ અને સેફ વૉલ્ટની સુવિધા વિશ્વસ્તરીય વ્યાવસાયિક અનુભવ કરાવશે એમ જણાવી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં ભારતનું વૈશ્વિક યોગદાન ૩.૫૦ ટકા છે, જેને ડબલ ડિઝિટમાં લાવવા માટે કેન્દ્ર સરકારે જેમ્સ-જવેલરી સેક્ટરને ફોક્સ એરિયાના રૂપમાં લઈને ભારતની ડાયમંડ અને જવેલરી ક્ષેત્રમાં રહેલી ક્ષમતાઓને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

સુરતના મગદલ્લા પાસે, ખજોદમાં ૬૮૨ હેક્ટર (૧૬૮૫ એકર)માં નિર્માણાધિન ડ્રીમ સિટી (ડાયમંડ ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ સિટી) પ્રોજેક્ટના ભાગરૂપે સાકાર થયેલા, ૪૨૦૦ થી વધુ અગ્રણી હીરા ઉદ્યોગકારો દ્વારા નિર્મિત સુરત ડાયમંડ બુર્સની વડાપ્રધાનશ્રીએ મુલાકાત પણ લીધી હતી અને બુર્સના વિવિધ ભાગો, ડાયમંડ ટ્રેડિંગ ઓફિસોનું નિરીક્ષણ કર્યું હતું. અહીં તેમણે ઉપસ્થિત હીરા વ્યાપારીઓ સાથે આત્મીય સંવાદ પણ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, દેશવિદેશના હીરા ઉદ્યોગકારોની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં પીએમએ જણાવ્યું કે, સુરત શહેરની ભવ્યતામાં આજે વધુ એક ‘ડાયમંડ’નો ઉમેરો થયો છે, અને આ હીરા નાનોસૂનો નથી પણ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ છે.

આ સંદર્ભે તેમણે બુર્સની અદ્યતન ઈમારતને દુનિયાની તમામ શ્રેષ્ઠ ઈમારતોને ઝાંખી પાડે તેવી હોવાનું જણાવતા દેશના આર્કિટેક્ચર, પર્યાવરણ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના અભ્યાસનું કેન્દ્ર અને શૈક્ષણિક સંસ્થાઓ માટે નજરાણા સમાન બની રહેશે એમ જણાવી આ વિદ્યાર્થીઓ, અભ્યાસુઓને બુર્સની અવારનવાર મુલાકાત યોજવા સૂચન કર્યું હતું.

સમૃદ્ધિના નવા સોપાન સમા ડાયમંડ બુર્સને ટૂંકા ગાળામાં સાકારિત કરી સામૂહિક શક્તિનો પરિચય કરાવનાર હીરા ઉદ્યોગપતિઓ-વ્યાપારીઓને બિરદાવતા પીએમ મોદીએ કહ્યું કે,વિશ્વસ્તરે ‘મેડ ઈન ઈન્ડિયા’ એક પ્રભાવશાળી અને સશક્ત બ્રાન્ડ બની ચૂકી છે જેનું ઉત્તમ ઉદાહરણ સુરત ડાયમંડ બુર્સ છે, કારણ કે આ બિલ્ડીંગ ભારતીય ડિઝાઈન, ભારતીય કોન્સેપ્ટ, ભારતીય ઈજનેરી અને સ્થાપત્ય કલા અને આત્મનિર્ભરતાના પ્રતીકના રૂપમાં ઉભરી છે. ડાયમંડ બુર્સ દેશના અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે. પંચતત્વ, લેન્ડ સ્કેપિંગ, સ્ટેટ ઓફ ધ આર્ટ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ વિશ્વ માટે પ્રેરક બનશે.

બુર્સ થકી સૌના સાથ, સૌના વિકાસ, સૌના પ્રયાસની ભાવના મૂર્તિમંત થઈ રહી છે એનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે, કારીગરો, વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ અને ખરીદદારો માટે સુરત ડાયમંડ બુર્સ વન સ્ટોપ સેન્ટર બનશે. સુરતમાં એક જ સ્થળે, એક જ છત્ર નીચે રફ અને પોલિશ્ડ ડાયમંડનું સૌથી મોટું માર્કેટ મળવાથી તેમજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થવાથી આવનાર સમયમાં હીરા ઉદ્યોગની સાથે સુરતની ડાયમંડ અને જવેલરી કંપનીઓ, લેબગ્રોન ડાયમંડ કંપનીઓને નિકાસમાં તેમજ બિઝનેસમાં સીધો ફાયદો મળશે એમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.

‘ઈતિહાસનો અનુભવ, વર્તમાનનું વૈવિધ્ય અને ભવિષ્યની દૂરંદેશિતા એટલે સુરત’ એવી વ્યાખ્યા આપી તેમણે સુરત શહેર અને સુરતીઓ સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા. વડાપ્રધાનએ કહ્યું કે, આફતને અવસરમાં ફેરવવાની શક્તિ સુરતવાસીઓમાં જોઈ છે. પૂર, પ્લેગ જેવા અનેકવિધ સંકટો સામે ઝીંક ઝીલીને જીવવાના સુરતી સ્પિરીટને સમગ્ર દેશે અનુભવ્યો છે. એટલે જ સુરતની માટીમાં કંઈક ખાસ છે ,જે તેને અન્ય શહેરોથી અલગ પાડે છે. ઉપરાંત, વિકાસ માટેની ‘મોદીની ગેરન્ટી’ઓને સચ્ચાઈમાં પરિવર્તિત થતા સુરતીઓએ ભૂતકાળમાં અનુભવી છે.

વડાપ્રધાનએ બુર્સ થકી વર્ષે બે લાખ કરોડનો બિઝનેસ અને દેશવિદેશના બાયર્સ, સેલર્સનું સુરતમાં આગમન થવાનું છે જેને ધ્યાને લેતા સુરતની નર્મદ યુનિવર્સિટીમાં વિદેશી ભાષા શીખી સંવાદ કરી શકે એ માટે યુવા વિદ્યાર્થીઓ માટે લેન્ગવેજ ઈન્ટરપ્રિટેશન કોર્સ શરૂ કરવાનું રચનાત્મક સૂચન કર્યું હતું.

વડાપ્રધાનએ કહ્યું કે, આજે વૈશ્વિક માહોલ ભારત તરફી છે. વિદેશો ભારત પ્રત્યે આદર સન્માન અને આશાની નજરે જોઈ રહ્યું છે, ત્યારે આ વૈશ્વિક સાનુકૂળ માહોલમાં દેશની પ્રગતિ માટે સૌને ભાગીદાર બનવાનું આહ્વાન કર્યું હતું. તેમણે ભારતને આગામી પાંચ વર્ષમાં ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવવા, ફાઈવ ટ્રીલિયન ઈકોનોમી તેમજ વિકસિત ભારત બનાવવા માટે ભારતીય હીરા ઉદ્યોગ, જેમ્સ એન્ડ જવેલરી સેક્ટરને પોતાની જવાબદારી સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો.

વર્ષ ૨૦૧૦માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ડાયમંડ ઉદ્યોગ માટે સ્પેશ્યલ નોટીફાઈડ ઝોન બનાવવાની જાહેરાત કરી હતી, જેના પરિણામે ડાયમંડ બુર્સ જેવી વૈશ્વિક ડાયમંડ કોમર્શિયલ કોમ્પલેક્ષ બનાવવાના બીજ રોપાયા હતા અને ડ્રીમ સિટી અંતર્ગત વર્ષ ૨૦૧૫માં બુર્સનો પાયો નંખાયો હતો એમ વડાપ્રધાનએ ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, ભૂતકાળમાં સુરત દેશના મોટા જહાજોના નિર્માણનું કેન્દ્ર હતું. એક સમયે સુરતમાં ચોર્યાસી દેશોના બંદરોના વાવટા ફરકતા હતા ત્યારે આજે ડાયમંડ બુર્સના પરિસરમાં ૧૨૫થી વધુ દેશોના વાવટા ફરકી રહ્યા હોવાનું જણાવી બુર્સ થકી સુરતના સોનેરી ઇતિહાસ પુન:જીવિત થયો છે એમ ગર્વસહ જણાવ્યું હતું.

બુલેટ ટ્રેન, નેશનલ ફ્રેઈટ કોરિડોર, હજીરા પોર્ટ અને LNG પોર્ટ, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જેવા ચાવીરૂપ પ્રોજેક્ટ્સનો લાભ મેળવતું એકમાત્ર સુરત છે એમ જણાવી આ વિકાસ પ્રકલ્પો સુરતના સર્વાંગી વિકાસની કેડી માટે રોડમેપ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ડાયમંડ અને જ્વેલરીના વ્યાપાર માટે કેન્દ્ર સરકાર હંમેશા સકારાત્મક રહી છે અને ભવિષ્યમાં આ ક્ષેત્રમાં જરૂરી તમામ સહાય કરવાની ખાતરી વડાપ્રધાનએ ઉચ્ચારી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હાલ સુધી ‘મોદી હૈ તો મુમકીન હૈ’ એમ કહેવાતું, હવે વિકાસની ગેરેન્ટી એટલે મોદીજી એવો વિશ્વાસ દેશભરમાં પ્રસ્થાપિત થયો છે. ‘વિકસિત ભારત@૨૦૪૭’ના સંકલ્પ સાથે વડાપ્રધાનએ દેશમાં વિકાસનો નવો ઈતિહાસ રચ્યો છે એમ જણાવી રાજ્યની જનતાને તેમના દીર્ઘદ્રષ્ટિયુક્ત નેતૃત્વનો લાભ બે દાયકાથી મળતો રહ્યો છે. આ બે દાયકામાં વડાપ્રધાનએ ‘જે કહેવું તે કરવું’ એવા કાર્યમંત્ર સાથે ‘ડ્રીમને ડિલિવરી’ સુધી લઈ જવામાં સફળતા મેળવી છે. પરિણામે તેમના નેતૃત્વમાં રાજ્યમાં વેપાર-વાણિજ્ય-ઉદ્યોગો, કૃષિ, ગ્રામ વિકાસ, અંત્યોદય દરેક ક્ષેત્રમાં સતત અવિરત વિકાસ થતો રહ્યો છે.

વડાપ્રધાનના વિઝન અને ડ્રીમના પરિપાકરૂપે ડ્રીમ સિટી અને ડાયમંડ બુર્સનું નિર્માણ સુરતમાં થયું છે. ૩૫ એકર વિશાળ જગ્યામાં આ નવનિર્મિત ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનવાનું છે, ત્યારે વિશ્વના સૌથી મોટા અને વિશાળ ઓફિસ કોમ્પ્લેક્સ તરીકે નિર્માણ પામેલું સુરત ડાયમંડ બુર્સ આધુનિક ભારતના નિર્માણની વડાપ્રધાનની ગેરેન્ટી છે. ડાયમંડ બુર્સ ગ્લોબલ સેન્ટર ફોર ડાયમંડ ટ્રેડિંગ બનવા સાથે અગ્રેસર રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સુરત શહેર ડાયમંડ અને ટેક્ષટાઈલ હબ સાથે અનેક ઉદ્યોગો-વેપારો થકી દેશભરના લાખો લોકોને રોજગારી આપતું કોસ્મોપોલિટીન સિટી બન્યું છે. વડાપ્રધાનના ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને દેશના અનેક રાજ્યોમાંથી ‘મિની ઇન્ડિયા’ સુરતમાં રોજીરોટી માટે આવેલા લોકો ચરિતાર્થ કરી રહ્યા છે.

સુરતને ઇન્‍ટરનેશનલ એરપોર્ટની વધુ એક આગવી ભેટ વડાપ્રધાનએ આપી છે જેનો આનંદ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આ પગલાંને કારણે ડાયમંડ એક્સપોર્ટને ગ્લોબલ પ્લેટફોર્મ મળશે અને વિશ્વના દેશો સાથે એર કનેક્ટિવિટી વધશે. દેશમાં રોડ અને રેલ નેટવર્ક, એર કનેક્ટીવિટીનો વ્યાપ પણ બમણો થયો છે અને વિમાની સેવાઓ અને નવા એરપોર્ટ પણ વિક્સ્યા છે. ૨૦૧૪માં દેશમાં ૭૪ એરપોર્ટ હતા તે ૯ વર્ષમાં વધીને ૧૪૦ થયાં છે એનો ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતના વેપાર ઉદ્યોગોને વૈશ્વિક મંચ આપવા વાઇબ્રન્ટ સમિટનો આયામ શરૂ કરેલો જેને રાજ્ય સરકારે આગળ વધારી આ કડીમાં આગામી જાન્યુઆરી૨૦૨૪માં યોજાનાર વાઈબ્રન્ટ સમિટ વિકસિત ભારત@૨૦૪૭ માટે વિકસિત-ઉન્નત ગુજરાતના ધ્યેયને આ સમિટ પાર પાડશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

સુરતના ડાયમંડ ઉદ્યોગના વિકાસમાં કોઈ અડચણ ન આવે તે માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન થકી ઉદ્યોગ મૈત્રીપૂર્ણ અભિગમ અને હંમેશા હકારાત્મક વલણ ધરાવે છે. ડાયમંડ બુર્સના નિર્માણ બાદ સુરતમાં હીરાનું મોટા પાયે ખરીદવેચાણ થશે. અને દેશવિદેશમાં સુરતનું નામ ડાયમંડ ટ્રેડિંગમાં ઉચ્ચ શિખરે પહોંચશે એમ જણાવી સુરતના ડાયમંડ બુર્સ પ્રગતિના શિખરો સર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

ડાયમંડ બુર્સના ચેરમેન અને કિરણ જેમ્સના ચેરમેન વલ્લભભાઈ લખાણીએ વડાપ્રધાન, મુખ્યમંત્રીનું સ્વાગત કરતા જણાવ્યું કે, સુરત ડાયમંડ કટિંગ અને પોલિશીંગનું હબ હોય તો ટ્રેડિંગનું હબ કેમ ન બની શકે એવા વિચારમાંથી સુરત ડાયમંડ બુર્સ સાકાર થયું છે. અહીં દેશવિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે. ડાયમંડ બુર્સને ટૂંકા ગાળામાં ઝડપભેર નિર્મિત કરવામાં રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓનો ઉચિત સહકાર પ્રાપ્ત થયો છે

બુર્સ કમિટીના ડિરેકટર અને ધર્મનંદન ડાયમંડના ચેરમેન લાલજીભાઈ પટેલે જણાવ્યું કે, બુર્સ નિર્માણ માટે ૯૦૦ મિટિંગોમાં સતત પરિશ્રમ, ૪૭૦૦ ઓફિસો અને ૪૨૦૦ સભ્યોના સહકારથી આજે બુર્સના શ્રીગણેશ થયા છે. ડાયમંડ બુર્સના નિર્માણથી સુરત માટે નવા યુગની શરૂઆત થઈ છે. સરકાર પાસે જયારે પણ સહયોગ માંગ્યો ત્યારે સહયોગ પુરો પાડયો છે એમ જણાવી તેમણે વડાપ્રધાનના નવા ભારતની કલ્પનાને સાકારિત કરવા માટે કટિબદ્ધ બનવાનો અનુરોધ કર્યો હતો.

વડાપ્રધાનએ સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યા બાદ એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધીના રૂટ પર રોડ શો કરી વહેલી સવારથી રોડ પર વડાપ્રધાનનું સ્વાગત કરવા આતુરતાથી રાહ જોઈ રહેલા સુરતવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેન્દ્રીય પશુપાલન અને મત્સ્ય વિભાગના મંત્રી પરષોત્તમ રૂપાલા, સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, પોલીસ કમિશનર અજય તોમર, ડિરેક્ટર લાલજીભાઈ પટેલ, ડ્રીમ સિટી પ્રોજેક્ટના સી.ઈ.ઓ. અને મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, બુર્સના ડિરેક્ટર પદ્મશ્રી મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકિયા, નાગજીભાઈ સાકરીયા, સુરત ડાયમંડ ઈન્સ્ટીટયુટના ચેરમેન દિનેશભાઈ નાવડિયા, બુર્સ કમિટીના સભ્યઓ સહિત અગ્રણી હીરા ઉદ્યોગપતિઓ,ધારાસભ્યો સહિત અગ્રણી હીરા ઉદ્યોગપતિઓ, હોંગકોંગ, ઈઝરાયેલ, યુ.એ.ઈ(દુબઈ), અમેરિકા, આફ્રિકા, કેન્યાથી આવેલા હીરા વ્યાપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નશાબંધી સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે શહેરમાં બાઈક રેલીનું આયોજન કરી યુવાનોને વ્યસનથી દુર રહેવા અપીલ કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત: પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે તા.૨/૧૦/૨૦૨૪ થી…

1 of 555

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *