આણંદ જિલ્લામાં તા. ૧ લી જાન્યુઆરીથી તા. ૨૯ ફેબ્રુઆરી દરમિયાન ઇ.વી.એમ. અને વી.વી.પેટ. નિદર્શન યોજાશે
આણંદ જિલ્લાના મતદારો આ કાર્યક્રમના માધ્યમથી મતદાન અંગેની સમજ અને જાગૃતિ મેળવે તે જરૂરી- જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરી
આણંદ, શનિવાર :: ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને ધ્યાને લઈ મતદારો જેમાં ખાસ કરીને યુવાઓ, મહિલાઓ અને ગ્રામ્ય વિસ્તારના મતદારો ઇ.વી.એમ. અને વી.વી.પેટના ઉપયોગથી માહિતગાર થાય અને મતદારોમાં મતદાન કરવા અંગેની જાગૃતિ આવે તે હેતુથી આગામી તા. ૧ લી જાન્યુઆરી-૨૦૨૪ ના રોજ થી તા.૨૯ મી ફેબ્રુઆરી-૨૦૨૪ દરમિયાન ઇ.વી.એમ. અને વી.વી.પેટના નિદર્શન અને જાગૃતિ કાર્યક્રમો સમગ્ર આણંદ જિલ્લામાં વિવિધ કેન્દ્રો ખાતે યોજવામાં આવશે.
આ કાર્યક્રમો ઇ.વી.એમ. નિદર્શન કેન્દ્રો ખાતે, મોબાઈલ નિદર્શન વાન અને ડિઝિટલ આઉટરીચના માધ્યમો દ્વારા કરવામાં આવશે. જે અંતર્ગત ૧૬ – આણંદ લોકસભા સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિસ્તારના તમામ મતદાન મથકો/ક્લસ્ટર અને જિલ્લાના અન્ય જાહેર સ્થળો, દૂધ મંડળીઓ, મેળા, બગીચા, કોલેજ, મોલ અને મોટા ધાર્મિક સ્થળોએ આ નિદર્શન યોજવામાં આવશે.
આ નિર્દશન કાર્યક્રમમાં આણંદ જિલ્લાના તમામ મતદારો મતદાન કરવા અંગેની સમજ અને જાગૃતિ મેળવી આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં મતદાર તરીકે ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના મતાધિકારની ફરજ નિભાવે તે માટે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લાના મતદારોને ખાસ અનુરોધ કર્યો છે.
રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ