લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં કૃષિ સંબંધી શિક્ષણ સંગોષ્ઠિ યોજાઈ ગઈ જેમાં રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ માનવ જીવન માટે અનિવાર્ય હોવાનું મહાનુભાવોએ જણાવ્યું હતું.રામકથા સાથે થયેલા આયોજનમાં પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન મળ્યું હતુ.
શિક્ષણ,સંશોધન અને વિસ્તરણ માટે કાર્યરત લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને યોજાયેલ રામકથા સાથે શિક્ષણ સંગોષ્ઠિના આયોજનો રાખવામાં આવ્યા હતા.
અહી શિક્ષણ સંગોષ્ઠિમાં લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંકલન સાથે પ્રાકૃતિક ખેતી અને કૃષિ પેદાશોનું મૂલ્યવર્ધન’ વિષય પર ખેડૂતો અને કાર્યકર્તાઓ સાથે વિદ્યાર્થીઓને ઉપસ્થિત અનુભવી નિષ્ણાતો દ્વારા રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ માનવ જીવન માટે અનિવાર્ય હોવાનું ભારપૂર્વક જણાવાયું હતું.
લોકભારતી વિશ્વ વિદ્યાલયના વડા શ્રી રાજેન્દ્ર ખિમાણીએ કૃષિ ક્ષેત્રમાં પ્રાકૃતિક પદ્ધતિઓની હિમાયત કરી હતી.
આ ઉપક્રમમાં પ્રાકૃતિક કૃષિ નિષ્ણાતો શ્રી મનોજભાઈ સોલંકી,શ્રી કપિલભાઈ શાહ,શ્રી હીરજીભાઈ ભિંગરાડિયા સહિત અન્ય અનુભવીઓ દ્વારા રાસાયણિક ખેતી સામે સંજીવની એવી પ્રાકૃતિક કૃષિ માટે સવિસ્તર માર્ગદર્શન આપી તેના પર સૌને ખેતી કરવા અનુરોધ કરવામાં આવેલ હતો.
પ્રારંભે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરાના વડા શ્રી નીગમભાઈ શુક્લ દ્વારા આવકાર પરિચય અપાયેલ હતો.