એબીએનએસ, ગોધરા (પંચમહાલ): તાજેતરમાં કાલોલ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા ગુંદી ગામને તાલુકો બનાવવાની માંગ કરી હતી. જેને લઈ સ્થાનિક લોકો તેનો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. ત્યારે રીછવાણી અને દામાવાવના વેપારીઓ સ્થાનિક લોકો સાથે બેઠક મળી બજારો સ્વયંભૂ બંધ રખાયા.
પંચમહાલ જિલ્લાના, ગોધરા ઘોઘંબા અને દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ગામોને સમાવેશ કરી નવા તાલુકાની રચના કરવા અંગેની કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે મુખ્યમંત્રી સમક્ષ આ અંગે રજુઆત કરી હતી.
જેને લઈ સ્થાનિક લોકોમાં વિરોધ વકર્યો છે . આ વિસ્તારના ગામોના અગ્રણીઓ દ્વારા તાલુકા મથક ગૂંદી નહિ પણ રીંછવાણી કે દામાવાવ રાખવામાં આવે એવી માંગણી કરી રહ્યાં છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે દામાવાવ અને રીંછવાણીએ વેપાર માટેનું મુખ્ય કેન્દ્રમાં આવેલ સ્થળ છે અને તેને તાલુકો બનાવવામાં આવે. જો તેવું ન કરવામાં આવે તો ઘોઘંબા તાલુકો યથાવત રાખવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કરી રહ્યાં છે.