અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિક્રમ સંવત 1882ની વસંત પંચમીએ વડતાલની પવિત્ર ધરા પર ભગવાન સ્વામિનારાયણ દ્વારા રચાયેલી શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના સમૈયાના ઉમંગ અવસરે અડાલજ ખાતે , ઉપસ્થિત રહ્યા હતા.
આ સમૈયા મહોત્સવમાં સહભાગી થઈ તેમણે શિક્ષાપત્રી અને ભગવાન સ્વામિનારાયણના દર્શન- અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.
વસંત પંચમી એટલે જ્ઞાન-સાધના-શિક્ષણની આરાધ્ય દેવી માતા સરસ્વતીની વંદનાનો દિવસ એમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું કે,ભગવાન સ્વામિનારાયણે પણ“શિક્ષાપત્રી” દ્વારા શિસ્ત, સંયમ, સદાચાર અને સમરસતા તરફ લઈ જતી વિચારધારાનું સમાજ શિક્ષણ આપવાનું યુગ કાર્ય કર્યું છે.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,શિક્ષાપત્રીએ ધર્મને માત્ર ઉપાસના સુધી સીમિત નથી રાખ્યો, વ્યવહારિક જીવનમાં સમરસતા, એકતા અને બંધુતા સાથે પણ જોડ્યો છે.વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો જે મંત્ર આપ્યો છે તેને શિક્ષાપત્રી સમૈયા ઉત્સવ સાકાર કરે છે.
મને આ ઉત્સવમાં સહભાગી થઈને સંતોના આશીર્વાદ અને આપ સૌ હરિભક્તોના દર્શનનો લહાવો મળ્યો છે તે માટે હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું, એમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,આધ્યાત્મિક ગ્રંથો, પુરાણ, કથાઓ અને સંતવર્યોના વચનામૃત ધર્મ પરંપરા એ તો આપણી ભવ્ય વિરાસતો છે.
શિક્ષાપત્રીના 200 વર્ષ પૂરા થવાના અવસરે મહાયાગ, વેદપાઠના પઠન અને અખંડ ધૂનથી આવી આધ્યાત્મિક વિરાસતને વ્યાપક બનાવવાનું આ સમૈયો અર્થપૂર્ણ માધ્યમ છે.
સાથોસાથ વડાપ્રધાન મોદી સાહેબે આપેલા ‘વિરાસત ભી, વિકાસ ભી’ના ધ્યેયને પાર પાડનારો પ્રસંગ પણ છે. આ ઉત્સવમાં ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી અને એ.આઈ.નો ઉપયોગ કરીને લોકો શિક્ષાપત્રીના સંદેશાઓ જોઈ-સમજી શકશે.
સામૈયાના ઓડિટોરિયમ માટે સોલાર એનર્જીનો ઉપયોગ તથા આ સ્થળે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરીને સમૈયો ગો-ગ્રીન ઇકો સિસ્ટમ મુજબ બનાવવામાં આવ્યો છે તે માટે આયોજકોને અભિનંદન આપ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજનો સમય ઝડપી વિકાસ, ટેકનોલોજી અને ભૌતિક સુવિધાઓનો યુગ છે.પરંતુ એક વાત સૌએ સ્વીકારવી જ પડે કે, આંતરિક શિસ્ત, ઈનર પીસ અને નૈતિક આધાર વિના વિકાસ ટકી શકતો નથી.
સ્વામિનારાયણ ભગવાને રચેલી શિક્ષાપત્રી આપણને આધ્યાત્મિક મૂલ્યો વ્યવહારિક જીવનમાં ઉતારીને આ સંતુલન જાળવવાનો રાજમાર્ગ બતાવે છે, એમ કહીને જણાવ્યું હતું કે, અહિંસા, સત્ય, વ્યસનમુક્તિ, સામાજિક સમરસતા અને જવાબદાર નાગરિકત્વ આ બધા જ મૂલ્યો શિક્ષાપત્રીના 200 વર્ષ પછી આજે પણ એટલા જ પ્રાસંગિક છે.
તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે નશા મુક્ત ભારતની સંકલ્પના વિશે જણાવી કહ્યું હતું કે,ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપેલો વ્યસન મુક્તિનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડીને સ્વસ્થ સમાજના નિર્માણમાં આ સમગ્ર સંપ્રદાય મહત્ત્વનું યોગદાન આપે છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની રચના કરીને લોકસેવાનો જે પથ ચીંધ્યો તે સૌને સદાચારી જીવન કેવી રીતે જીવવું તેનો સરળ માર્ગ બતાવે છે.
મુખ્યમંત્રીએ સ્વામિનારાયણ સંપ્રદાય અંગે જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પર સ્વામિનારાયણ પરંપરાએ સમાજ સુધારણા અને સમાજ શિક્ષણનું જે કામ કર્યું છે તે શિક્ષાપત્રીના વિચારનું વાસ્તવિક જીવંત સ્વરૂપ છે. રાષ્ટ્રહિત પ્રથમ અને સમાજનું ભલું કરવાનો સદભાવ એ સ્વામિનારાયણના હરિભક્તોની ઓળખ છે.
આ સંપ્રદાય દ્વારા ઘર સભામાં સદાચારના પાઠ દ્વારા કુટુંબ પ્રબોધનનું ખૂબ મહત્ત્વનું કાર્ય થઈ રહ્યું છેગ તે વિકસિત ભારતના નિર્માણમાં મહત્ત્વનું બનશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત માટે જનહિતના ૯ સંકલ્પો આપ્યાં છે, પહેલો સંકલ્પ – પાણી બચાવો, બીજો સંકલ્પ – એક પેડ માં કે નામ, ત્રીજો સંકલ્પ – સ્વચ્છતા, ચોથો સંકલ્પ – વોકલ ફોર લોકલ. પાંચમો સંકલ્પ – દેશદર્શન, છઠો સંકલ્પ – પ્રાકૃતિક ખેતી, સાતમો સંકલ્પ – હેલ્ધી અને આરોગ્યપ્રદ જીવનશૈલી, આઠમો સંકલ્પ – યોગ અને રમત-ગમત જીવનનો હિસ્સો બને,
નવમો સંકલ્પ – ગરીબોની સહાયતા અંગે વિગતે જણાવીને, મુખ્યમંત્રીએ સ્વામિનારાયણ સંપ્રદાય સત્સંગ-સભાઓમાં આ નવ સંકલ્પો વિશે જનજાગૃતિ જગાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને વિકસિત ગુજરાતથી વેગ આપવામાં સફળતા મળે તેવા આશીર્વાદ ભગવાન સ્વામિનારાયણ આપે એવી પ્રાર્થના પણ આ અવસરે કરી હતી.
સમૈયા મહોત્સવ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વીડિયો સંદેશનું પ્રસારણ કરી સર્વે હરિભક્તોને શુભેચ્છા આપવામાં આવી હતી.
મહોત્સવ પ્રસંગે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મુખ્ય મહારાજ કૌશલ્યપ્રસાદજી તથા રાજેન્દ્ર પ્રસાદ (લાલજી) મહારાજએ શિક્ષાપત્રી અને તેના મૂલ્યો, ગૃહસ્થ, સંત અને સભ્ય સમાજમાં આદર્શ સ્થિતિના સિદ્ધાંતો વિશે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેમણે જન જન સુધી શિક્ષાપત્રીના મૂલ્યો પહોંચે તે માટે હરિભક્તોને અપીલ કરી હતી.
















