77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દર્દીઓ માટે રમત-ગમત મહોત્સવનું કરાયું આયોજન
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વ “પ્રજાસત્તાક દિવસ” ની ઉજવણીના ભાગરૂપે, દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દર્દીઓ માટે વિશેષ રમત-ગમત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સારવાર હેઠળ રહેલા દર્દીઓમાં માનસિક સ્ફૂર્તિ, આત્મવિશ્વાસ અને સકારાત્મક અભિગમ વિકસાવવાનો રહ્યો. વિવિધ રમત-ગમત પ્રવૃત્તિઓમાં કુલ 22 દર્દીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમાં દર્દીઓમાં આનંદ અને ઉર્જાનો માહોલ જોવા મળ્યો.
કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત સ્પાઇન સર્જન ડો. પિયુષ મિત્તલની વિશેષ ઉપસ્થિતિ દર્દીઓ માટે પ્રેરણારૂપ બની. આ ઉપરાંત ડો. શ્રેયા શર્મા પણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડો. મિત્તલે દર્દીઓ સાથે સંવાદ કરી તેમને હિંમત અને આત્મવિશ્વાસ આપતા જણાવ્યું કે શારીરિક સારવાર સાથે માનસિક સકારાત્મકતા પણ ઝડપી સ્વસ્થતા માટે અત્યંત જરૂરી છે. તેમની પ્રોત્સાહક વાતોએ દર્દીઓમાં નવી આશા અને ઉત્સાહ ભરી દીધો.
કાર્યક્રમમાં ભાગ લેનાર તેમજ વિજેતા દર્દીઓને 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પ્રોત્સાહન પુરસ્કાર અર્પણ કરવામાં આવશે, તેવી માહિતી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવી.
ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સારવાર સાથે સંવેદના અને માનવતા જોડતી આરોગ્ય સેવાનો ઉત્તમ દાખલો પૂરું પાડે છે.
















