સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય દીપ પ્રાગટ્ય કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં એક હજારથી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દેશસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગને અનુલક્ષીને શુભેચ્છા પાઠવવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દીપ પ્રાગટ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના આગેવાનોના નેતૃત્વ હેઠળ રેલવે સ્ટેશન પર એક હજારથી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.
હજારો દીવડાઓની રોશનીથી લીંબડી રેલવે સ્ટેશન જાણે દિવાળીના દીપોથી ઝળહળી ઉઠ્યું હોય તેવા મનમોહક દૃશ્યો સર્જાયા હતા. આ સુંદર નજારો નિહાળવા માટે મોટી સંખ્યામાં મુસાફરો પણ રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં લીંબડી રેલવે સ્ટેશનના અધિક્ષક એમ.ડી. પરમાર, સ્ટેશન અધિક્ષક અનિલ ચૌધરી, રાહુલ શર્મા, રવિ કુમાર, જીઆરપી સ્ટાફના વિક્રમભાઈ અને રાજુભાઈ, આરપીએફના રામભરોસ તેમજ ઇન્ચાર્જ ટિકિટ માસ્તર રાજેશકુમાર, રાહુલ મીણા, રાજેન્દ્રસિંહ સહિતના રેલવે કર્મચારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રેલવે સ્ટેશનના અધિક્ષક એમ.ડી. પરમારે આ સુંદર આયોજનને બિરદાવ્યું હતું. સાથે જ ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે આપવામાં આવતી વિવિધ સેવાઓ અને સુવિધાઓ અંગે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ આગેવાનો, રેલવે કર્મચારીઓ અને મુસાફરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
લીંબડી રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ આ દીપ પ્રાગટ્ય કાર્યક્રમ દરમિયાન સર્જાયેલો રોશનીનો નજારો સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વિપુલ રાઠોડ લીંબડી સુરેન્દ્રનગર
















