ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ની સ્થાપના તા. ૦૧/૧૦/૧૯૮૦ના રોજ કરવામાં આવી હતી. નિગમના ૪૬મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે તેમજ ગુજરાત સરકાર દ્વારા તા. ૧૭/૦૯/૨૦૨૬ થી તા. ૧૭/૧૦/૨૦૨૬ દરમિયાન આયોજિત રાજ્યવ્યાપી “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત તા. ૦૧/૧૦/૨૦૨૬ના રોજ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ., ગાંધીનગર ખાતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી જનરલ હેલ્થ અને આઈ ચેક-અપ, તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનું આયોજન મોહમ્મદ શાહિદ, IAS, અગ્ર સચિવ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ તથા ચેરમેન, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડૉ. સૌરભ પારધી, IAS, નિયામક, અન્ન અને નાગરિક પુરવઠા, ગુજરાત સરકાર, ચેતન ગણાત્રા, IAS, મેનેજિંગ ડિરેક્ટરશ્રી, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. તેમજ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ, નિયામક, અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી તથા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કેમ્પ દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓ માટે જનરલ હેલ્થ ચેક-અપની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સાથે સાથે રક્તદાન અંગે જાગૃતિ કેળવવા તથા જરૂરિયાતમંદ દર્દીઓને રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં સહયોગરૂપ બનવાના હેતુથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન કુલ ૨૦ યુનિટ રક્તનું દાન કરવામાં આવ્યું હતું તેમજ ૧૧૫ કર્મચારીઓએ જનરલ હેલ્થ ચેક-અપ અને ૯૮ કર્મચારીઓએ આઈ ચેક-અપનો લાભ લીધેલ.
અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને સામાજિક જવાબદારી અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. “સેવા સંકલ્પ અભિયાન”ની ભાવનાને અનુરૂપ આયોજિત આ સેવાભાવી પ્રવૃત્તિ દ્વારા કર્મચારીઓમાં આરોગ્ય જાગૃતિ સાથે સમાજ પ્રત્યેની જવાબદારી અને માનવસેવાની ભાવનાને પણ પ્રોત્સાહન મળ્યું હતું.
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ના ૪૬મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ દ્વારા નિગમના સ્થાપના દિવસને સેવાભાવી અને જનહિતલક્ષી પ્રવૃત્તિ સાથે જોડીને અર્થસભર રીતે ઉજવવામાં આવ્યો હતો.
















