bhavnagar

ઓપરેશન અમાનત અંતર્ગત RPF દ્વારા મહિલા મુસાફરને ₹17,000ની કિંમતનો ખોવાયેલો મોબાઇલ સુરક્ષિત રીતે પરત સોંપાયો

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા મુસાફરોનો ખોવાયેલો સામાન સુરક્ષિત રીતે પરત પહોંચાડવા માટે ‘ઓપરેશન અમાનત’ અંતર્ગત સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં 16 નવેમ્બર, 2026ના રોજ જૂનાગઢ રેલવે સ્ટેશન પર RPFની સતર્કતા અને તત્પરતાને કારણે એક મહિલા મુસાફરનો ખોવાયેલો મોબાઇલ ફોન સુરક્ષિત રીતે શોધી કાઢી તેમને પરત સોંપવામાં આવ્યો હતો.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર, શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે 16 નવેમ્બરના રોજ બપોરે આશરે 15:10 વાગ્યે જૂનાગઢ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01 પર RPF કાર્યાલયની સામે આવેલી બેન્ચ પર એક મોબાઇલ ફોન બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો.

ફરજ પર તૈનાત હેડ કોન્સ્ટેબલ શ્રી રાજેશ ચૌહાણે આસપાસ હાજર મુસાફરોને મોબાઇલ અંગે પૂછપરછ કરી હતી, પરંતુ કોઈએ પણ તેના પર પોતાનો દાવો કર્યો નહોતો. ત્યારબાદ મોબાઇલને સુરક્ષિત રાખવા માટે RPF પોસ્ટ પર લાવવામાં આવ્યો હતો.

થોડા સમય બાદ જૂનાગઢનાં રહેવાસી મહિલા મુસાફર કિંજલબેન, પુત્રી શ્રી જીનાભાઈ વાજા, RPF પોસ્ટ પર પહોંચ્યાં હતાં અને જણાવ્યું હતું કે જૂનાગઢથી વેરાવળની મુસાફરી દરમિયાન તેમનો મોટોરોલા G-54 મોબાઇલ ફોન, જેની અંદાજિત કિંમત ₹17,000 છે, પ્લેટફોર્મ પર રહી ગયો હતો. તેમણે પોતાની સામાન્ય ટિકિટ પણ રજૂ કરી હતી. RPF કર્મચારીઓ દ્વારા મોબાઇલ બતાવવામાં આવતાં મહિલા મુસાફરે તેની ઓળખ કરી હતી. જરૂરી તપાસ અને ખરાઈ કર્યા બાદ મોબાઇલ ફોન તેમને હેમખેમ પરત સોંપવામાં આવ્યો હતો.

પોતાનો ખોવાયેલો મોબાઇલ પરત મળતાં મહિલા મુસાફરે રેલવે સુરક્ષા બળની સતર્કતા, પ્રામાણિકતા અને ઝડપી સહાય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

મંડળ રેલ પ્રબંધક, ભાવનગર, શ્રી દિનેશ વર્માએ RPF કર્મચારીઓની સતર્કતા અને તત્પરતાની સરાહના કરતાં તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. મુસાફરોની સુરક્ષા અને તેમના સામાનની સંભાળ રાખવી એ રેલવેની મહત્ત્વપૂર્ણ પ્રાથમિકતાઓમાં સામેલ છે. ‘ઓપરેશન અમાનત’ અંતર્ગત મુસાફરોને તેમનો ખોવાયેલો સામાન પરત અપાવવા માટે RPF દ્વારા સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મંડળ સુરક્ષા આયુક્ત, ભાવનગર, શ્રી અજય શર્માના માર્ગદર્શન હેઠળ ભાવનગર મંડળનું રેલવે સુરક્ષા બળ મુસાફરો અને રેલવે કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ મુસાફરોને વધુ સારી સેવા અને સહાય પૂરી પાડવા માટે સતત પ્રતિબદ્ધ છે.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે પેન્શનરો અને પરિવાર પેન્શનરોની સુવિધા તથા…

1 of 88

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *