ABPSS નું પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં મુખ્યમંત્રીશ્રીને મળી પત્રકારો ને કોરોના વોરિયર ગણી આર્થિક સહાય આપવા રજૂઆત કરશે.
રાજકોટ :: ભારતના સૌથી વિશાળ અને રજિસ્ટર્ડ પત્રકાર સંગઠન “અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ” ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે જાણીતા પત્રકાર અને Ktvના સીઈઓ કિશોરભાઈ મારુની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આજરોજ રાજકોટ શહેર ખાતે મળેલ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની પ્રદેશ કારોબારી બેઠકમાં ઉપસ્થિત સભ્યો અને જિલ્લા પ્રભારીઓની સહમતિથી સર્વાનુમતે કિશોર કિશોર મારુની સંગઠનના પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરાઇ છે. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિને ગુજરાતના ખૂણે ખૂણા સુધી લઈ જવામાં મહત્વનો ભાગ ભજવનાર કિશોર મારુ પત્રકારોના પ્રશ્નોનો પર આક્રમકતા પૂર્વક કામ કરવા માટે જાણીતા છે. આ તકે કિશોર મારુ એ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ABPSS નું એક પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રૂબરૂ મુલાકાત કરી પત્રકારોના પાયાના પ્રશ્નો બાબતે રજૂઆત કરશે અને પત્રકારોની પૂર્વ રજૂઆતો પર કેટલું કામ કરવામાં આવ્યું તેનો હિસાબ માગશે. તાજેતરમાં કોરોના મહામારી દરમિયાન ભાવનગરના જાણીતા પત્રિકા સલીમભાઈ બાવાણીનું કોરોનાથી મોત નિપજ્યું છે, તે ઉપરાંત લીમડી સંદેશ દૈનિકનાં પત્રકાર ભરતસિંહ ઝાલા યુવાન વયે હૃદયરોગના હુમલાને કારણે મોતને ભેટયા છે તદ ઉપરાંત રાજકોટના યુવાન પત્રકાર યોગેશ વ્યાસે પણ આર્થિક સંકડામણ નો બોજ સહન ન થતા આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. ગુજરાતનાં પત્રકારોની હાલની આર્થિક સ્થિતિ ખૂબ સારી કહી શકાય તેમ નથી ત્યારે રાજ્ય સરકારે પત્રકારોને પણ કોરોના વોરિયર ગણી તેમના પરિવારજનોને ૨૫ લાખ રૂપિયાની સહાય ચૂકવી જોઈએ તેવી માંગ છે. આ બાબતને લઈને સરકારમાં અમારા સંગઠન દ્વારા આક્રમક રજૂઆત કરવામાં આવશે. ગુજરાતના તમામ માન્ય પત્રકારોને એક બેનર નીચે લઇ આવી તેમના પ્રશ્નો પર સંગઠન કામ કરશે. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિમાં સરકાર માન્ય દૈનિક ના તંત્રીશ્રીઓ,પ્રતિનીધીઓ તથા સરકાર માન્ય સાપ્તાહિકના તંત્રીશ્રીઓ તેમજ સરકાર માન્ય ન્યૂઝ ચેનલના પ્રતિનિધિઓને અને રિપોર્ટરોને સંગઠિત કરવામાં આવશે. પત્રકારત્વની આડમાં ગોરખ ધંધા ચલાવી રહેલા કહેવાતા અસામાજિક તત્વોને ખુલ્લા કરવામાં આવશે અને માત્ર કાર્ડ ના આધારે રોફ જાડતા લોકોને ખુલ્લા કરી આવા લોકો વિરુદ્ધ પગલા લેવા પણ સરકારને રજૂઆત કરવામાં આવશે.સંગઠન આગામી સમયમાં પત્રકાર કલ્યાણ નિધી મારફત પત્રકારોને આકસ્મિક સમયે ઉપયોગી થવાનું પણ આયોજન વિચારી રહેલ છે. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિમાં સામેલ થનાર દરેક પત્રકાર ને સમિતિનું કેન્દ્રીય ઓળખકાર્ડ આપવામાં આવશે. સંગઠન દ્વારા પત્રકાર હિતમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે જેની ટૂંક સમયમાં જાહેરાત કરાશે. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવડીયાએ કિશોરભાઈ મારુ ને શુભેચ્છા પાઠવી પત્રકાર હિત માટે તત્પર રહેવા અનુરોધ કર્યો હતો. ભારતના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પત્રકારોનું મજબૂત સંગઠન સ્થાપિત કરવા માટે કિશોરભાઈ મારુ ને આ જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે તેમના દ્વારા ગુજરાતના પત્રકારો માટે સીમા ચિન્હરૂપ કામ થાય તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્ર અને છત્તિસગઢ ની જેમ ગુજરાતમાં પણ પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરવાનું અભિયાન તેજ કરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતુ. આ બેઠકમાં રાજકોટ શહેરના પ્રભારી તરીકે જાણીતા પત્રકાર દિનેશભાઈ જાવિયા અને સહ પ્રભારી તરીકે જૂના અને જાણીતા પત્રકાર ધીરેન મકવાણાની વરણી કરવામાં આવી હતી. ગુજરાતના નવા વરાયેલા પ્રદેશ અધ્યક્ષ કિશોર મારું ને શુભેચ્છા પાઠવવા માટે ભારતભરમાં વિશાળ નેટવર્ક ધરાવતા કરણી સેના નાં પ્રદેશ અધ્યક્ષ અને તેજતર્રાર આગેવાન શ્રી જે. પી.જાડેજા, શ્રી સત્યેન્દ્રભાઈ ખાચર, શ્રી ઇતિરાજસિંહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ABPSSના રાષ્ટ્રિય કાર્યકારણી સદસ્ય જીતુભાઈ લખતરિયા અને યુવા આગેવાન દર્શિત પટેલે પણ આ તકે ઉપસ્થિત રહી નવા વરાયેલા હોદેદારોને શુભેચ્છા પાઠવી હતી.