મહિલાને કામના સ્થળે સ્વચ્છ બાથરૂમ મળવો જોઈએ : અભિનેત્રી રાજેશ્વરી સચદેવ
,
અમદાવાદ: જીએલએલ કેમ્પસ લૉ ગાર્ડન, અમદાવાદ ખાતે આયોજિત બે દિવસીય ‘મહિલા સશક્તિકરણ: માનવતાનું સશક્તિકરણ’ આ વિષય પર વીમેન્સ ઇન્ટરનેશનલ લીગ ફૉર પીસ ઍન્ડ ફ્રીડમ (WILPF- ભારત વિભાગ) સાથે સહકારમાં આંતરરાષ્ટ્રીય પરિષદનો શુભારંભ થયો હતો.
આ પરિષદનું ઉદ્ઘાટન, જીએલએસ યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટીએ કર્યું હતું. પરિષદમાં મુખ્ય અતિથિઓ તરીકે- ઇન્ડૉનેશિયાના બાલીના શ્રી ઓગસ ઉદયન (પદ્મ શ્રી), અમેરિકાના અગ્રણી પ્રાધ્યાપક પ્રૉ. માર્ક લિન્ડલી, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ભારતીય અભિનેત્રી રાજેશ્વરી સચદેવ અને જાણીતાં મહિલા સાહસિક અને પૉઇસિસનાં ડિરેક્ટર સુશ્રી બીના હાંડા જેમનું આ પરિષદમાં સન્માન કરાયું હતું. વિવિધ સત્રોમાં ૨૦ અગ્રણી વક્તાઓએ તેમનાં વક્તવ્યોથી લોકોનું પ્રબોધન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય અતિથિ શ્રી ઓગસ ઈન્દ્રા ઉદયને તેમના પ્રવચનનો પ્રારંભ “ઓઉમ્ સ્વસ્તિ અસ્તુ”એ કલ્યાણ મંત્રથી પ્રારંભ કર્યો હતો અને ગુજરાતીમાં પૂછ્યું હતું, “કેમ છો? મજામાં?” તેમણે કહ્યું હતું કે ભારતે મહિલા સશક્તિકરણમાં ઋષિઓના સમયથી ઘણું પ્રદાન કર્યું છે. સંસ્કૃત શ્લોક છે કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. તેમાં માતા કેમ પહેલાં આવે છે? પિતા કેમ નહીં? તેમણે કહ્યું કે ઋષિઓની વાણી આપણને પ્રેરણા આપે છે. ભારત એવી ભૂમિ છે જ્યાં ટેરેસા મધર ટેરેસા બને છે.
દિલ્લીમાં ગાંધી-મંડેલા ફાઉન્ડેશનના પ્રતિનિધિ શ્રી નંદન ઝા જેઓ પોતે વકીલ પણ છે તેમણે કહ્યું કે રાજકુમાર શુક્લએ ગાંધીમાં રહેલા ગાંધીને ઓળખ્યા હતા. શરૂઆતમાં નહેરુ પણ ગાંધીથી પ્રભાવિત નહોતા થયા. તેમણે કહ્યું કે ઘણા ધર્મો સ્વર્ગમાં જવા શું કરવું તેનું કહે છે પણ આપણે ત્યાં કહેવાય છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસિ. માતાને સ્વર્ગથી પણ મહાન માનવામાં આવી છે.
ગાંધીજીએ મહિલાઓને ઘરની બહાર કાઢી હતી અને સ્વતંત્રતા આંદોલનમાં જોડી હતી. તે સમયે બાળ લગ્ન અને વિધવાઓની સ્થિતિ આ બંને બાબતો મહિલાઓ માટે અભિશાપ હતી. ઈ. સ. 1916માં તેઓ આ વિષયો પર બોલતા હતા. તે ખરું સશક્તિકરણ હતું. ગુજરાતે ગાંધી પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી આપ્યા છે જેમણે મહિલા સશક્તિકરણમાં મોટી ભૂમિકા ભજવી છે. કલમ 370 દૂર કરીને અને ત્રિ-તલાક દૂર કરીને આ કામ કર્યું છે. સારું જમવા ન મળ્યું હોય કે આવાં અન્ય ક્ષુલ્લક કારણસર મુસ્લિમ પતિ તેની પત્નીને તલાક આપી દેતો હતો. તે વિષય પર પગલાં લેવામાં 75 વર્ષથી કોઈને હિંમત થતી નહોતી પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ કામ કર્યું છે. કલમ 370 પણ આવું જ કામ છે. હમણાં એક ફિલ્મ આવી છે, કશ્મીર ફાઇલ્સ. તેમાં તો 40 ટકા જ દર્શાવ્યું છે. કાશ્મીરમાં મહિલાઓ પર ખૂબ અત્યાચાર થયો છે. કલમ 370 દૂર થવાથી તેમને ન્યાય મળશે.
85 વર્ષની ઉંમરે અમેરિકાથી ખાસ આવેલા ગાંધી ટોપી પહેરેલા પ્રાધ્યાપક શ્રી માર્ક લિંગલીએ કહ્યું કે સિમોન બીવોયર લૈંગિક સમાનતા પરવાત કરનાર પ્રથમ મહિલા હતી. પહેલાં જર્મનીમાં સૂત્ર હતું- બાળકો, રસોડું અને ચર્ચ. પરંતુ પછી ધીમેધીમે લોકોમાં જાગૃતિ આવી.
જાણીતાં મહિલા સાહસિક બીના હાંડાએ કહ્યું કે મારી માતા સાતમા ધોરણથી આગળ ભણી શક્યાં નહોતાં કારણકે પછી સહશિક્ષણ હતું. અને મારા નાનાજીએ તેમને ના પાડી હતી. આજે ચિત્ર બદલાયું છે. દરેક વ્યક્તિના જીવનમાં સત્યની ક્ષણ આવે છે. આપણને પહેલી જરૂર પરિવારના સમર્થનની હોય છે. બીજું, તમારામાં વિશ્વાસ રાખો.
જાણીતા અભિનેત્રી સુશ્રી રાજેશ્વરી સચદેવે કહ્યું કે તમારા કામની પ્રશંસા થાય તે સશક્તિકરણ છે. તમે કોણ છો તેનો સ્વીકાર થાય તે સશક્તિકરણ છે. હું નસીબદાર છું કે મારા ઘરમાં મારે કોઈ પ્રશ્નનો સામનો નથી કરવો પડ્યો. મારા ભાઈ અને મારો ઉછેર સમાન રીતે થયો. સ્ત્રીઓને સુરક્ષા અને સહાનુભૂતિની જરરૂર હોય છે. કામના સ્થળે સ્વચ્છ બાથરૂમ હોવા જોઈએ. જ્યારે તમે આ માટે કહો ત્યારે તેઓ કહે કે ચલાવી લો. કેવી રીતે ચલાવી લેવાય? અમારે ત્યાં વેનિટી વાન હોય છે પણ એ બહુ ઓછા પાસે હોય છે. ઘણી જુનિયર ટૅક્નિશિયન પાણી નથી પીતી કારણકે બાથરૂમ નથી હોતાં.
જીએલએસ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી સુધીર નાણાવટીએ સર્વે અતિથિઓનો આભાર માનતા કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે આપણે ઘરે, કામના સ્થળે લૈંગિક સમાનતા સર્જીએ. સ્ત્રી બાળકને જન્મ આપે છે, તેથી તે પુરુષ કરતાં વધુ શક્તિશાળી છે. અમે જીએલએસ-ગાંધીયન સોસાયટી શરૂ કરી છે. એક વાર કોઈએ ગાંધીજીને પૂછ્યું કે તમે યુવાનોને શું સંદેશ આપશો તો તેમણે કહ્યું કે મારું જીવન એ જ મારો સંદેશ છે. તેમણે કહ્યું કે જીએલએસની સંસ્થાઓમાં મહિલાઓ વડા તરીકે છે અને અમે લૈગિક સમાનતા રાખીએ છીએ.
WILPFના મહિલા સચિવ પુષ્પા મોતિયાનીએ કહ્યું કે મહિલાની શક્તિ જો જાગૃત થશે તો હિંસા ઘટી જશે. જો મહિલાઓ તેમના પતિ, દીકરો કે પિતા ખોટું કામ કરે અને તેનો બહિષ્કાર કરે તો ત્રાસવાદ, બળાત્કાર સમાપ્ત થઈ જશે. દરેક જગ્યાએ મહિલાને ત્રણ બાબતો માટે લડાઈ લડવી પડે છે- નામ, કામ અને ધામ. આ માટે તેમને ત્રણ કવચ જોઈએ-રક્ષા, શિક્ષણ અને પોષણ.
આ વિષયને કેન્દ્રમાં રાખીને, અમે વિવિધ સ્ટાર્ટ અપ પ્રવૃતિ અને ઉત્પાદન/સેવાના વેપાર વિચારો ધરાવતી અમારી વિદ્યાર્થિનીઓ માટે સાહસિકતા સ્ટૉલની વ્યવસ્થા કરી છે. આ પરિષદમાં, મહિલા સશક્તિકરણ વિષય પર નૃત્ય અને લઘુ નાટિકા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.