કોરોના સામેની તકેદારી જ જીવનરક્ષક સાબિત થશે
– મંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોર
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણના દિન-પ્રતિદિન કેસ સામે આવી રહ્યા છે ત્યારે કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરના અગમચેતી પગલાના ભાગરૂપે વર્તમાન સ્થિતિ અને આયોજન વિશે સમીક્ષા બેઠક ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી.
બેઠકમાં મંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોરે જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ અને ગ્રામ્ય કક્ષાએ કેસોની વિસ્તારવાઇઝ સ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, કોરોના ટેસ્ટીંગ, વેક્સીનેશન, ડૉક્ટર, મેડીકલ સ્ટાફની ઉપલબ્ધતા, મેનપાવર, કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર, હોમ આઇસોલેશન, ધનવંતરી રથ, સંજીવની રથ, ૧૦૮, દવાઓની જરૂરીયાતો અને ઉપલબ્ધતા, કોવિડ કેર સેન્ટર, દર્દીઓ માટે કોલ સેંટર સહિત વિવિધ આનુસાંગિક મુદ્દાઓ જરૂરિયાતો તેમજ આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સમીક્ષા કરી હતી.
મંત્રીશ્રીએ સરહદી રાજ્યને અડીને આવેલા જિલ્લામાં પ્રવેશતા લોકોનું સઘન ટેસ્ટીંગ થાય તેના પર ખાસ ભાર મુક્યો હતો. તેમણે જિલ્લાવાસીઓને કોરોનાની ત્રીજી લહેરને હળવાશથી ન લેવા અને માસ્ક, સોશિયલ ડિસ્ટંસ અને સેનિટાઇઝેશનનો ખાસ ખ્યાલ રાખવા અનુરોધ કર્યો હતો સાથે જ કોરોનાના સામાન્ય લક્ષણ જણાય તો ટેસ્ટ કરાવવા અને પૂરતી તકેદારી રાખવા પણ અપીલ કરી હતી. આ ઉપરાંત જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોર-કિશોરીઓનું રસીકરણની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પણ સૂચન કર્યુ હતું. આ સાથે પ્રભારી મંત્રી શ્રીએ મોડાસા સાર્વજનિક હોસ્પિટલની મુલાકાત લઇ તેની વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા સમાહર્તા શ્રી નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી શ્વેતા તેવટીયા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, અધિક નિવાસી કલેકટરશ્રી એન.ડી.પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણ, જિલ્લા અગ્રણી શ્રી રાજેન્દ્રભાઇ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડો.શ્રીમાળી સહિત જિલ્લાના સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.