રાજકોટ: રાજકોટમાં અનેક વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમૂહૂર્ત મુખ્યમંત્રીશ્રીના હસ્તે શરૂ થવા જઈ રહ્યા છે, જેમાં રાજકોટ શહેરના રૈયા રોડ આમ્રપાલી રેલવે ક્રોસિંગ ખાતેના રૂપિયા ૨૫ કરોડ ૫૩ લાખના ખર્ચે બનેલ અંડરબ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યુ હતું.
રાજકોટ શહેરના મધ્યભાગમાં આવેલ આ બ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. વાહનચાલકો અને રાહદારીઓનો સમય બચશે. આમ રાજકોટની પ્રજાને એક સુંદર નજરાણું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પ્રાપ્ત થયું છે. અંડર બ્રિજની શરૂઆતમાં “લવ રાજકોટ” સેલ્ફી ઝોનનું પણ નિર્માણ થયું છે.
રાજકોટ મહાનગર પાલિકાના પબ્લિક બાઇક શેરિંગ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ૧૧ સાયકલ સવારોને ઝંડી આપી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રસ્થાન કરાવી હતી.
આ પ્રસંગે મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઈ ભન્ડેરી, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા, અરવિંદભાઇ રૈયાણી, અગ્રણીશ્રી નિતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મિરાણી, રાજુભાઇ ધ્રુવ,શ્રીમતી અંજલિબેન રૂપાણી, કલેકટરશ્રી રેમ્યા મોહન, પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, મ્યુ.કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ અધિકારી-પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.