અમદાવાદના સૃષ્ટિ વોરાનું સ્ટાર્ટ અપ હૃદયને કાયમ ધબકતું રાખવામાં કરશે મદદ
કપિલ પટેલ દ્વારા અમદાવાદ :
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ જીવનના તમામ ક્ષેત્રોની મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરવાનો પ્રસંગ છે. મહિલા ઉદ્યોગસાહસિકો વિવિધ ક્ષેત્રોમાં નવીનતાઓ કરીને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં પોતાની ઓળખ બનાવી રહી છે. મહિલાઓ તેમની સાહસિકતાની કુશળતાને પુનઃવ્યાખ્યાયિત કરવા અને નવી તકનીકોને અપનાવવાના નવા વાતાવરણમાં સફળતાપૂર્વક કાર્ય રહી છે. અન્ય ક્ષેત્રની જેમ, મહિલાઓ હેલ્થ કેર માં પણ અગ્રેસર છે, ચોક્કસ સમસ્યાઓ માટે નવીન ઉકેલો સાથે, લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને વધુ સારું કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 8મી માર્ચ એ આપણા સમાજમાં આવી મહિલાઓને પ્રોત્સાહિત કરવાનો દિવસ છે જે વધુને વધુ મહિલાઓને સશક્ત થઇ શકે.
અત્યારના સમયમાં માણસોને અને એમાં પણ યુવાનોને હાર્ટ અટેક આવવો એ બહુ સામાન્ય વાત થઇ ગઈ છે અને બીજી બાજુ જયારે છાતીમાં દુખાવો થાય ત્યારે ગેસ હશે એમ કરી માણસ રિપોર્ટ નીકળવાનું ટાળતો હોય છે અને પછી હૃદય રોગના હુમલા સુધી પહોંચી જતો હોય છે કારણ કે ઈસીજી માટે દૂર જવું પડે, કિમંત વધારે ચૂકવવી પડે, રિપોર્ટ આવવામાં સમય લાગે અને નિષ્ણાત ડૉક્ટરનું માર્ગદર્શન જરૂરી હોય છે. જેથી માણસને યોગ્ય સમયે સારવાર ન મળવાથી હાર્ટ અટેકથી મૃત્યુને ભેટતો હોય છે. ઈસીજી મશીન માટે મોટું ઇન્વેસ્ટમેન્ટ, ઓપરેટ કરવા યોગ્ય વ્યક્તિ અને મોટી સાઈઝના કારણે દરેક હોસ્પિટલ, ડૉક્ટર કે સંસ્થા ઇસીજીની સેવા આપી શકતા નથી. ત્યારે અમેરિકાથી બાયો મેડિકલ એન્જીનરીંગનો અભ્યાસ કરી પરત આવેલ સૃષ્ટિ વોરા એ પાવર બેંકના કદ જેટલું પોર્ટેબલ ઈસીજી મશીન બનાવ્યું છે. જેને એન્ડ્રોઈડ અથવા આઇઓએસ મોબાઈલ સાથે જોડી સામાન્ય માણસ પણ પોતાનો રિપોર્ટ જાતે નિકાળી તરત સારવાર મેળવી શકે છે.
જયારે તેઓ અમેરિકા હતા ત્યારે તેમના પિતાને છાતીમાં દુખાવો થયો અને સામાન્ય હશે તેમ કરી તેમના પિતાએ ઈસીજી કરવાનો ટાળીયો. ત્યારે એમને વિચાર આવ્યો કે આવા દુનિયામાં કેટલા બધા લોકો હશે જે આવા કોઈ કારણોથી રિપોર્ટ કરવાનું ટાળતા હશે અને હાર્ટ અટેકનો ભોગ બનતા હશે. આથી એમને મેડિકલ ક્ષેત્રમાં AIના ઉપયોગથી પોર્ટેબલ ઈસીજી મશીન બનાવ્યું કારણકે હાર્ટ એટેક વખતે સમય ખુબ મહત્વનો હોય છે જેથી તરત રિપોર્ટ અને યોગ્ય સારવાર ખુબ મોટો ભાગ ભજવતા હોય છે આથી આ મુખ્ય વસ્તુઓને ધ્યાનમાં રાખી એમને વેલનેસ્ટ પોર્ટેબલ ઈસીજી મશીન તૈયાર કર્યું છે.જેના દ્વારા ઈસીજી રિપોર્ટની પ્રક્રિયામાં 7થી 8 મિનિટ લાગે છે, તેને કોઈ પણ એન્ડ્રોઈડ અથવા આઇઓએસ મોબાઈલ સાથે કનેક્ટ કરીને ઉપયોગ કરી શકાય છે, વેલનેસ્ટ એપ દ્વારા કાર્ડિયોલોજિસ્ટનો 15 મિનિટમાં પ્રતિભાવ મેળવી શકાય છે, ઈસીજી માટે તેના ઇલેકટ્રોલ યોગ્ય જગ્યાએ લાગવા જરૂરી છે પરંતુ આ પ્રક્રિયામાં એક બેલ્ટ પહેરીને રિપોર્ટ નીકળી શકાય છે. જેથી સામાન્ય માણસ પોતાનો રિપોર્ટ પોતે કરી શકે છે અને જેલી આદિ ચીકણા પદાર્થ લગાડવાની પણ જરૂર પડતી નથી જે ચામડીના રોગ થવાની સંભાવનાને પુરી કરે છે, નાનકડા પોર્ટેબલ ઈસીજી મશીન દ્વારા 12D એટલે ચારે તરફથી તપાસ થાય છે, અને બજારમાં ઉપલ્ભધ ઈસીજી મશીન કરતા આ અડધી કિંમત અને સંપૂર્ણ સચોટતા ધરાવે છે.
વધુમાં સૃષ્ટિ વોરા, પોર્ટેબલ ઈસીજી મશીન સંશોધકે જણાવ્યું કે ” આપણા દેશમાં મહિલાઓ પોતાનું દર્દ ખુબ મોટા પ્રમાણમાં છુપાડતી હોય છે. જો હૃદયનું દર્દ હોય અને ડૉક્ટર ઈસીજી રિપોર્ટ કરાવવા માટે કહે તો બહુ સંકોચમાં આવી જાય છે કારણકે ઈસીજી રિપોર્ટ કાઢનાર મોટા ભાગે પુરુષ હોય છે અને તેની કિંમત પણ વધારે હોય છે. આવા સમયમાં પોર્ટેબલ ઈસીજી મશીન દ્વારા કોઈ પણ સામાન્ય વ્યક્તિ પોતાનો રિપોર્ટ જાતે કાઢી શકે છે જેથી સંકોચ કે મોંઘી કિંમતનો કોઈ અવકાશ ન રહેતા છેવાડાની મહિલા પણ પોતાનો ઈલાજ મક્કમતાથી કરાવી શકે છે. ” વધુમાં તેમને જણાવ્યું કે “જ્યારે આરોગ્યસંભાળ સરળ, સસ્તું અને તણાવમુક્ત બની રહી હોય ત્યારે વ્યક્તિ શા માટે સારવારમાં વિલંબ કરશે અને હૃદયની બિમારીઓને અવગણવાનું પસંદ કરશે? આ ECG મશીન કોઈપણ હૃદય રોગને શોધી શકે છે જે વ્યક્તિના જીવનને બચાવી શકે છે.”
તેમને અમેરિકામાં અભ્યાસ બાદ કરોડોનું પેકેજ મળતું હોવા છતાં તેમને દેશપ્રેમના કારણે પોતાના સ્ટાર્ટ અપ દ્વારા દેશમાં સર્જનાત્મક યોગદાન આપવાનું નક્કી કર્યું. આજે તેઓ પોતાના સ્ટાર્ટ અપમાં ઘણી બધી મહિલાઓને રોજગારી આપી છે અને તેમના પોર્ટેબલ ઈસીજી મશીનનો ઉપયોગ સામાન્ય શહેરો અને ગામડાઓમાં થઇ રહ્યો છે. કોવિદ -19 પછી જયારે હૃદય રોગની બીમારી વધી છે ત્યારે આ પોર્ટેબલ ઈસીજી મશીન ખુબ ઉપયોગી બને છે. અત્યારે કાર્ડિયોલોજિસ્ટ ઉપરાંત 3000થી વધુ ડૉક્ટર પાસે આ મશીનનો ઉપયોગ રિપોર્ટ કાઢવા માટે કરે છે અને તેમાંથી 125 જેટલા હાર્ટ અટેક દર્દીને તરત રિપોર્ટ મળતા જીવ બચી ગયા છે.