વરીયાળીનું ભુસુ, ક્રીમ કલરનો પાવડર અને ગોળની રસીને મીક્ષ કરી તડકામાં સુકવી જીરુના આકાર અને કલર જેવુ બનાવટી જીરુ બનાવાઈ રહ્યું હતું
મહેસાણા: ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે મહેસાણા જિલ્લાના ઉંઝા ખાતે આવેલી એક ફેક્ટરીમાં આકસ્મિક દરોડો પાડીને બનાવટી જીરૂ બનાવી રહેલા એક ફેક્ટરી સંચાલકને પકડી પાડયો છે. વરીયાળીનું ભુસુ, ક્રીમ કલરનો પાવડર અને ગોળની રસીને મીક્ષ કરી તડકામાં સુકવી જીરુના આકાર અને કલર જેવુ બનાવટી જીરુ બનાવી રહ્યા હોવાનુ ધ્યાને આવતા તંત્રએ સ્થળ પરથી રૂ.૮૪,૮૦૦ની કિંમતનો ૩,૨૦૦ કિલોનો જથ્થો જપ્ત કરી બનાવટી જીરુ બનાવવા માટે વપરાતા રો-મટીરીયલના નમુનાઓ જરૂરી પૃથ્થકરણ માટે પ્રયોગશાળામાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મુખ્ય કચેરી તથા મહેસાણા કચેરીના અધિકારીઓ દ્વારા મહેસાણા જીલ્લાના ઉંઝા ખાતે ગંગાપુર રોડ પર આવેલી ક્લીનીંગ ફેક્ટરીમાં આકસ્મિક તપાસ હાથ ધરતા બનાવટી જીરુ બનાવવાની કામગીરી ચાલુ હોવાનુ બહાર આવ્યું હતું. દરોડો પાડીને ટીમે સ્થળ પરથી ઊંઝાના પટેલ બિનેશકુમાર રમેશભાઈને આ બનાવટી જીરું બનાવવાની કામગીરી કરતા પકડ્યા હતા. તપાસ દરમિયાન આ વ્યક્તિ વરીયાળીનું ભુસુ, ક્રીમ કલરનો પાવડર અને ગોળની રસીને મીક્ષ કરી તડકામાં સુકવી જીરુના આકાર અને કલર જેવુ બનાવટી જીરુ બનાવી રહ્યા હોવાનુ ધ્યાને આવ્યું હતું. આ સ્થળેથી બનાવટી જીરુ અને તે બનાવવા માટે વપરાતા તમામ કાચા પદાર્થો (રો-મટીરીયલ)ના કુલ-૦૪ નમુનાઓ કાયદાનુસાર લઈ અને જરૂરી પૃથ્થકરણ માટે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે સ્થળ પરથી રૂ.૮૪,૮૦૦ની કિંમતનો ૩,૨૦૦ કિલોનો જથ્થો જપ્ત કરીને ગોળની રસીનો આશરે ૨૦૦ લીટરનો જથ્થો પેરીસેબલ હોવાથી આ જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ.જી કોશિયાએ જણાવ્યું છે. આ દરોડાથી ખાદ્ય ચીજમાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.