૧૭૨૫ કોરોના યોધ્ધાઓ અવિરત સેવા બજાવે છે…
—————
દાખલ થયેલા દર્દીઓ માટે અત્યાર સુધીમાં ૨૩,૩૩,૩૭૭ ક્યુબિક મિ.મિ ઓક્સિજનનો વપરાશ:
૯ માસના સમયગાળામાં O.P.D.માં ૪૮,૦૪૪ અને I.P.D. માં ૧૯,૭૯૧ દર્દીઓની કરાયેલી તપાસ…અગાઉથી જ કોરોના પોઝીટીવ જણાયા હોય તેવા ૮,૩૬૭ દર્દીઓને સારવાર અપાઈ…૧૨,૯૪૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા…
૧,૫૪,૭૯૯ લોકોના કોરોનાના ટેસ્ટ- ૧૮,૮૪૧ પોઝીટીવ – ૧,૩૫,૯૫૮ નેગેટીવ
અમદાવાદ: કોવિડ-૧૯ વાયરસની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધુ છે. આ રોગને નાથવા રાજ્ય પ્રશાસન સતત કાર્યરત છે. અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે. આ દર્દીઓની સેવામાં ત્રણ પાળીમાં અંદાજે ૨૫૦ થી વધુ ડોકટર્સ, ૪૫૦ જેટલો નર્સિંગ સ્ટાફ તથા ૬૦૦ જેટલા સફાઈ કર્મિઓ મળી ૧૨૦૦ કર્મિઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે. આ ઉપરાંત ૧૩૦ પેશન્ટ એટેન્ડન્ટ, ૬૦ નર્સિંગ સ્ટુડન્ટ્સ, ૧૨૦ સિક્યુરિટી સ્ટાફ, ૧૮ બાયો મિડેકલ એંજિનિયર્સ, ૨૦ પી.આર.ઓ., ૧૫ કાઉન્સિલર્સ, ૪૬ એક્સ-રે એન્ડ લેબ ટેકનિશિયન્સ, અને ૧૫ ડ્રાઈવર મળી કુલ ૧૭૨૫ યોધ્ધાઓ ૨૪*૭ ખડેપગે અને અવિરત સેવા બજાવે છે.
આ હોસ્પિટલના સુચારુ સસંચાલન અંગે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. જે.પી.મોદી કહે છે કે, “કોરોનાનો પ્રથમ કેસ ૧૯મી માર્ચે નોંધાયો ત્યારે સિવિલ હોસ્પિટલના ડી-૯ વોર્ડ થી લઈને 7 એપ્રિલના રોજ કોરોના ડેડીકેટેડ હોસ્પિટલમાં પરિણામવામાં આવેલ ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં અત્યાર સુધીના ૯ માસના સમયગાળામાં ઓ.પી.ડીમાં ૪૮,૦૪૪ અને આઈ.પી.ડી.માં ૧૯,૭૯૧ દર્દીઓને તપાસવામાં આવ્યા છે. જ્યારે અગાઉથી જ કોરોના પોઝીટીવ જણાયા હોય તેવા ૮,૩૬૭ દર્દીઓને અહીં સારવાર અપાઈ છે અને ૧૨,૯૪૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે નોન કોવિડ થયેલા ૩,૦૭૬ દર્દીઓને આ હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલના નોન-વોર્ડમા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે…”
૧૨૦૦ બેડની હોસ્પિટલમાં અધ્યતન સારવારની સાથે અન્ય સેવાઓ પણ દર્દીઓને અપાઈ છે. જે દર્દીઓ અતિં ગંભીર પરિસ્થિતીમાં અહીં આવ્યા છે અને જેમને ઓક્સિજનની જરૂર પડી છે તેવા દર્દીઓ માટે ૩૫૦ જેટલા વેન્ટિલેટર સહિતનાબેડ અનામત રખાયા છે. આવા બેડ પર દાખલ થયેલા દર્દીઓ માટે અત્યાર સુધીમાં ૨૩,૩૩,૩૭૭ ક્યુબિક મિ.મિ ઓક્સિજનનો વપરાશ થયો છે. જેની અંદાજિત કિ&મત રૂ. ૭ કરોડ જેટલી થાય છે, એમ ડૉ. મોદી ઉમેરે છે.
૧૨૦૦ બેડની હોસ્પિટલમાં તબીબો અને અન્ય સપોર્ટ સ્ટાફે દિવસ રાત- રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે. અત્યંત કપરી પરિસ્થિતીમાં પણ અહીં અવિરત સેવાનો ધોધ વહ્યો છે. અહીં દર્દીઓની સારવાર ઉપરાંત કોરોનાના ટેસ્ટ પણ કરાયા છે. ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૯,૧૮૯ લોકોના ટેસ્ટ કરાયા છે જેમાંથી ૯,૪૪૪ લોકો પોઝીટીવ જણાયા છે જ્યારે ૨૯,૭૪૫ લોકોના ટેસ્ટનું પરિણામ નેગેટીવ આવ્યું છે. જ્યારે સિવીલ હોસ્પિટલમાં આવેલી બી.જે. મિડીકલ કોલેજમાં કાર્યરત લેબોરેટરીમાં કુલ ૧,૫૪,૭૯૯ લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા છે તે પૈકી ૧૮,૮૪૧ પોઝીટીવ તથા ૧,૩૫,૯૫૮ લોકોના નેગેટીવ જણાયા છે. આ યોધ્ધાઓ, નથી તેમના ઘરની ચિંતા કરતા કે નથી તેમના પરિવારની ચિંતા કરતા… એમને મન તો બસ કોરોના દર્દીઓની સેવા જ મુળ મંત્ર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં ખાસ “ ક્લીન રૂમ” કાર્યન્વિત કરાયો છે. જે પરિવારમાં માતા-પિતા બન્ને કોરોના પોઝીટીવ હોય અને તેમના નાના બાળકો હોય અને કોઈ રાખનાર કે સંભાળ લેનાર ન હોય તો તેવા બાળકોને અહીંનો નર્સીંગ સ્ટાફ “માતા” બનીને સાચવે છે. આ બાળકોને સેરેલેક પાવડરથી માંડીને જેં કંઈ જરૂરી હોય તે અપાય છે. આ બાળકો માટે ખાસ “એટેન્ડન્ટ” પણ રખાયા છે.
જે દર્દીઓ દાખલ થયા હોય ત્યાં દર્દીના કોઈ પણ સગાને ચેપ ન લાગે એટલે સલામતી માટે જ વોર્ડમાં પ્રવેશ અપાતો નથી…કોઈ ખાસ કિસ્સામાં જરૂર હોય કે દર્દીની લાગણી અને માંગણી હોયકે દર્દી વેન્ટીલેટર પર હોય કે પ્રોસીજર જરૂરી હોય તેવા કિસ્સામાં એક સગાને રક્ષાત્મક સાધનો સાથે જવાની મંજૂરી અપાય છે અને અન્ય કિસ્સાઓમાં નજીક એક વિશાળ ડોમ બનાવાયો છે ત્યાં તમામ સગાઓને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પણ હોસ્પિટલનો સ્ટાફ તહેનાત કરાયો છે જેમને હોસ્પિટલ તરફથી મોબાઈલ અપાયા છે. જેના દ્વારા દર્દી તેમના સગા સાથે વિડીયો કોલીંગથી વાત કરી શકે છે… આ માટે ૫૦ જેટલા મોબાઈલની વ્યવસ્થા કરાઈ છે.
દર્દીઓની સેવા-સુશ્રુષા સ્વાસ્થ્ય સુવિધાઓમાં વધારો કરવા માટે તંત્ર દ્વારા અનેકવિધ પગલાઓ હાથ ધરવામાં આવ્યા છે.
કોરોના ગ્રસ્ત દર્દીઓને ડાયાલિસિસ અર્થે બહાર ન જવું પડે તે માટે ઇન-હાઉસ ડાયાલિસિસ સેન્ટર, ઈન-હાઉસ લેબ , સમગ્ર ભારતભરમાં શરૂ કરેલી પ્રથમ પ્લાઝમા બેંક, વયસ્ક દર્દીઓ માટે જીરિયાટ્રિક વોર્ડ, વોર રૂમની જેમ ૨૪ કલાક કાર્યરત કંટ્રોલરૂમ, હેલ્પ ડેસ્ક જેવી અનેક સ્વાસ્થ્ય સુવિધાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ રોગનું સંક્રમણ ન વધે તે માટે પ્રશાસન સતત કાર્યરત છે. આરોગ્ય વિભાગ દ્વારા “કોરોના યોધ્ધા બનો-ઘરે રહો, સુરક્ષિત રહો” ના ધ્યેયમંત્ર સાથે આ યોધ્ધાઓ ફરજ બજાવે છે. સલામ છે તેમના ધ્યેય, ધૈર્ય અને સંવેદનાના ધબકાર ને….
………………