અમદાવાદ: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ૨૨ વર્ષીય આરતીબેનને ત્યા બાળકીનો જન્મ થયો. સમગ્ર ઘરમાં ખુશહાલીનો માહોલ હતો. સામાન્ય પ્રસુતિ અને સામાન્ય વજન સાથે જન્મેલ નવજાતને જન્મજાત જ અસામાન્ય વેદના શરૂ થઇ. એકા-એક તેના શ્વસનદરમાં વધારો થવા લાગ્યો જે ઘણા અપ્રમાણસર થઇ ગયા હતા.
આ જોઇ તેના માતા-પિતા ચિંતીત બન્યા. સધન સારવાર અર્થે તેઓ હોસ્પિટલમાં લઇ ગયા જ્યાં તેને ઓક્સિજનના સપોર્ટ ઉપર રાખીને શ્વસનતંત્ર પર નિયંત્રણ મેળવવા અને ધબકારા પ્રમાણસર કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો.
પરંતુ તબીબોને આ બિમારી સંવેદનશીલ અને ગંભીર જણાઇ આવતા તેઓએ બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા જણાવ્યુ. જેથી બાળકીના માતા-પિતા નવજાતને લઇ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા.
અહીં સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના નિષ્ણાંત તબીબ ડૉ. બેલા શાહના યુનિટ અંતર્ગત દાખલ કરીને ઓક્સિજનની જરૂરિયાત સંતોષવામાં આવી. જ્યાં તેની સ્વાસ્થ્ય પરિસ્થિતિ મહદઅંશે સ્થિર જણાઇ રહી હતી. ત્યારબાદ નવજાત શિશુને ખોરાક માટે નાકવાટે નળી દાખલ કરવા પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તે ૩ થી ૪ સેન્ટિમીટર કરતા વધુ આગળ જતી ન હતી. તબીબો માટે સારવારમાં તે અવરોધ રૂપ બની રહ્યુ હતુ. જેથી સચોટ નિદાન માટે માથા અને ગળાનું સીટી સ્કેન કરાવવામાં આવ્યુ.આ સીટી સ્કેનમાં નવજાત બાળકને દ્વીપક્ષી કોએનલ એટ્રેસીયા હોવાનું બહાર આવ્યુ.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજા જન્મેલા બાળકો ફક્ત નાકથી જ શ્વાસ લઇ શકે છે તેઓ મુખ મારફેત શ્વાસ લઇ શકતા નથી. બાળક જ્યારે રડે છે ત્યારે જ શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયા થઇ શકે છે. જે કારણોસર આ સર્જરી ખૂબ જ મહત્વની બની રહી હતી.
સર્જરીની જટીલતા સમજીને સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમ દ્વારા એનેસ્થેસ્થિયા વિભાગના તબીબ વૈભવી પટેલના સંકલનથી બાળકીના જન્મના ૭માં દિવસે આ સર્જરી હાથ ધરવામાં આવી.
આ સર્જરીમાં નાકના બંને નસકોરાના માર્ગ દ્વારા ૩.૫ મી.મી. એન્ડોસ્કોપ દાખલ કરવામાં આવ્યુ. નાકના પાછળના ભાગના બંને નસકોરા સુધી હાળકાના અવરોધના કારણે પહોંચવામાં તકલીફ પડી રહી હતી જેથી દ્રશ્યમાન હાડકાના ભાગને સાવચેતીપુર્વક અમુક ભાગ કાપીને એન્ડોસ્કોપ પહોંચી શકવા માટેનો નાક અને ગળાનો ભાગ જોડવા માર્ગ બનાવવામાં આવ્યો. જેથી નસકોરા અને ફેરીકસ વચ્ચે સાતત્યનું નિર્માણ થઇ શકે.
સર્જરી બાદના સંતોષકારક પરિણામ જોવા માટે નસકોરામાં ૪૮ કલાક સુધી નળીઓ જોડેલી રાખીને પરિણામ મળ્યા બાદ જ નળીઓને ક્રમશ: કાઢી નાખવામાં આવી. ૪ દિવસ સુધી બાળકીને રાયલ્સ ટ્યુબ દ્વારા ફીડીંગ કરાવવામાં આવ્યુ. આજે બાળકી સંપૂર્ણ પણે સ્વસ્થ છે અને કુદરતી રીતે સંતુલિત અવસ્થામાં શ્વાસ લઇ શકે છે.
શું છે કોએનલ એટ્રેસિયા
આ એક જન્મજાત ઉભી થતી તકલીફ છે જે સમગ્ર વિશ્વમાં ૭૦૦૦ બાળકોએ ૧ બાળકમાં થતી જોવા મળે છે. જેમાં અનુનાસિક માર્ગમાં અવરોધ ઉભો થતા બાળકના શ્વસનતંત્રમાં તકલીફ ઉભી થાય છે .જેથી બાળક સંપૂર્ણપણે શ્વાસ લઇ શકતો નથી. સામાન્ય રીતે ગર્ભના વિકાસ દરમિયાન કયારેક અસામાન્ય હાડકા અથવા નરમ પેશી દ્વારા ઉદભવતી કોએનલ એટ્રેસિયા જીવલેણ પણ સાબિત થતી હોય છે.