Breaking NewsLatest

જામનગર ખાતે ઉમંગભેર ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સંપન્ન.મંત્રીશ્રી આર.સી. ફળદુના હસ્તે રાષ્ટ્ર ધ્વજ લહેરાવાયો. કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા

જામનગર રાષ્ટ્રના ૭૪માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે જામનગર શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના મેદાનમાં જિલ્લા કક્ષાની ઉજવણી આન, બાન, શાન સાથે ઉમંગપૂર્વક અને ભવ્યતાપૂર્ણ કરવામાં આવી હતી. ધ્‍વજવંદનને સલામી કૃષિ, વાહનવ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુએ આપી હતી. તેમની સાથે જિલ્લા કલેકટરશ્રી રવિશંકર અને જિલ્‍લા પોલીસ વડાશ્રી શ્વેતા શ્રીમાળીએ પણ તિરંગાને સલામી આપી માર્ચ પાસ્‍ટનું નિરીક્ષણ કર્યું હતું. આઝાદીમાં જાન કુરબાન કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રધ્‍ધા સુમન અર્પણ કર્યા બાદ કૃષિ, વાહનવ્યવહાર મંત્રીશ્રી આર. સી.ફળદુએ જણાવ્‍યું હતું કે, રાજ્યમાં કૃષિ, ઉદ્યોગ અને સેવાનો સમતોલ વિકાસ થયો છે, ગુજરાતની જનતા કોરોનાની મહામારીમાં આફતને અવસરમાં પલટાવવા અગ્રેસર છે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું હતું કે, દેશની સુરક્ષા કાજે સિમાડાઓને સુરક્ષિત રાખવા આજે સુરક્ષા દળોમાં પણ ગુજરાતીઓનો નોંધપાત્ર વધારો થયો છે જે ગર્વની બાબત છે, તો સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારી સામે લડી રહ્યુ હોય ત્યારે ગુજરાતમાં આ મહામારી સામે લડતા ધનવંતરી રથોની કામગીરીને WHOએ પણ બિરદાવી છે. આ સાથે જન-જનને લાભાર્થે રાજ્ય સરકારે અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓની તલસ્પર્શી માહિતી મંત્રીશ્રીએ રજુ કરી હતી.
મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રી દ્વારા લાગુ કરાયેલી વિવિધ યોજનાઓની વિગતો આપતા ગુજરાતના આંતરમાળખાકીય વિકાસ, જનઆરોગ્યની સુખાકારી માટેનાં રાજ્ય સરકારના નિર્ણયોની આછેરી ઝલક આપી કહયું હતું કે, ખેડૂતોને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિની સ્થિતિમાં પણ તકલીફના રહે તે માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હાલમાં જ અમલી કરવામાં આવી છે, ૩૨ લાખ ટન કરતા વધુ કૃષિ જણસોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી જગતના તાતને સમૃધ્ધ બનાવવા તરફ રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. રાજ્યમાં સુજલામ સુફલામ યોજના થકી ૪૨ લાખ ઘનફૂટથી વધુ પાણીનો સંગ્રહ કરી શકાયો છે, રિન્યુએબલ એનર્જીમાં ભારતના ૬૪% જેટલા રૂફટોપ સાથે ગુજરાત બિનપરંપરાગત ઉર્જામાં અગ્રીમ છે. ડિજિટલ ક્લાસરૂમ અને લર્નીંગ વિથ અર્નિંગના કોન્સેપ્ટને ગુજરાતમાં લાગુ કરી શિક્ષિત ગુજરાત-વિકસિત ગુજરાત તરફ હરળફાળ ભરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજય સરકારે શહેર અને ગ્રામ્ય બંને વિસ્તારોના નાગરિકોના સર્વાંગ વિકાસ માટે સતત જનહિતના નિર્ણયો લીધા છે, મહામારીમાં લોકો માટે વિનામૂલ્યે અનાજ વિતરણ, આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના થકી ગર્વીલા ગુજરાતીઓની પડખે રાજ્ય સરકાર હંમેશા આધારસ્તંભ બની ઉભી છે, આજે આપણું ગુજરાત આગવું ગુજરાત બન્યું છે, આજે ગુજરાત શબ્દ વિકાસનો પર્યાય બની ચૂકયો છે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું. આ પ્રસંગે કોરોના લડતમાં સતત નિષ્ઠાપૂર્ણ સેવા આપનાર કોરોના વોરિયર્સને મંત્રીશ્રીના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા. તેમજ રમત ગમત ક્ષેત્રે વિવિધ સિધ્ધીઓ મેળવનાર વિદ્યાર્થીઓને પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં જામનગરના જી.જી.હોસ્પિટલના કોરોનાના નોડલ ડૉક્ટરશ્રી એસ.એસ.ચેટરજી, બી.આઇ.ગોસ્વામી તથા અન્ય ડોકટરો, નર્સિસ, ફિમેલ હેલ્થ વર્કર વગેરે આરોગ્યકર્મીઓ, લોકોની સુરક્ષા માટે સતત ખડેપગે તૈનાત રહેલા પોલીસકર્મીઓ તેમજ સેનેટરી ઇન્સ્પેકટર અને કોવિડને માત આપી જીવનના જંગને જીતનાર ૮ લોકોને આમ કુલ ૪૮ કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા હતા. આ તકે, રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી પામેલ નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એસ.ચાવડા અને હેડ કોન્સટેબલ શ્રી ભરતભાઇ મુંગરાને મંત્રીશ્રીના હસ્તે મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા બાદ કાર્યક્રમ પૂર્ણ થતાં મંત્રીશ્રી આર.સી.ફળદુ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી રાઘવજીભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદ્રેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઇ હિંડોચા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માધાણી, મ્યુનિ. કમિશનરશ્રી સતિષ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, ડી.વાય.એસ.પીશ્રી એ.પી.જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી રાયજાદા તથા જિલ્લાના વિવિધ વિભાગોના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કમલેશ શુક્લ દ્વારા કરવામાં આવેલ હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *