જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલ્લાની વિશેષ ઉપસ્થિતિ
———-
કૌશલ્યને સથવારે જ જીવનની વૈતરણી સફળ રીતે પાર ઉતરતી હોય છે- કલેકટર શ્રી યોગેશ નિરગુડે
———-
જિલ્લા કૌશલ વિકાસ સમિતિ, ભાવનગર દ્વારા ગારીયાધાર તાલુકાના ચોમલ ગામે રાત્રી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોડી રાત્રે યોજાયેલી આ રાત્રી સભામાં જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં.
જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ આ આ અવસરે જણાવ્યું કે, જીવનમાં દરેક વ્યક્તિ પાસે કોઈ ને કોઈ કૌશલ્ય હોય છે. જે લોકો આ કૌશલ્યને સારી રીતે નિખારી આગળ વધે છે તેઓ જીવનની વૈતરણી સફળતાપૂર્વક પાર પાડતાં હોય છે.
કૌશલ્યવાન માનવ સંસાધન દ્રારા જ સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્રનું નિર્માણ થતું હોય છે તેમ જણાવી તેમણે કહ્યું કે, જીવનમાં પણ કોઈને કોઈ ક્ષમતા, આવડત અને કૌશલ્ય ખૂબ મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે.
ડી.એસ.સી. ભાવનગરના પ્રોજેક્ટ ‘પંચાયત કૌશલ કેન્દ્ર’ અંતર્ગત કૌશલ્ય વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને આ રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પંચાયત કૌશલ્ય કેન્દ્ર ગ્રામ્ય સ્તરે રહેલાં લોકોને પોતાની આવડત, કૌશલ્યની માલિકી મેળવે એટલે કે કૌશલ્ય સ્વરાજ મેળવે તે હેતુથી કાર્યરત છે.
પાયલોટ પ્રોજેક્ટ તરીકે દરેક તાલુકામાં એક લેખે ૧૦ ગામોમાં કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન માટે પંચાયતની પેટા સમિતિની રચના કરવામાં આવી છે. ડી.એસ.સી.ના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે જે ગામના કૌશલ પ્રભારી તરીકે કાર્ય કરશે.
આ બાબતે ઝડપી અમલીકરણ કરવાં માટે બે તાલીમ આયોજીત કરવામાં આવી છે. (૧) આર.એસ.એ.ટી.આઇ. દ્વારા ઉન્નતિ કાર્યકમ હેઠળ ૩૪ મહિલાઓને તાલીમ આપવામાં આવશે. (૨) આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ પેઈન્ટ અને કોટિંગ ક્ષેત્રની કૌશલ્ય પરિષદ દ્વારા ૧૨૦ તાલીમાર્થીઓને તાલીમ અપાશે.
લોકભારતી સણોસરાની પંચાયતી રાજ તાલીમ સંસ્થા દ્વારા પસંદ થયેલી પંચાયતોની કૌશલ્ય પેટા સમિતિને તાલીમબધ્ધ કરવાં માટેનું મોડ્યુલ વિકસિત કરશે.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ, લોકભારતી, સણોસરાના પ્રમુખ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.